માંડવી તાલુકાનાં નાની ખાખર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસેથી સ્થાનિક પોલીસે બાતમીના આધારે છાપો મારી વિદેશી શરાબની ૧૯૫ પેટી તથા બે વાહનો મળી ર૬,૩૬,૫૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન ત્રણ આરોપીઓ નાસી છૂટયા હતા. લાખોનો શરાબ દારૂ પ્યાસીઓના મોઢે આવે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ જતાં બૂટલેગરોમાં હડકમ મચી જવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રેન્જ આઈજીપી ડી.બી. વાઘેલા તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા તેમજ ભુજ વિભાગના નાયબ પોલીસ અધિકક્ષ જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ માંડવીના ઈન્સ્પેકટર એ.એલ. મહેતા સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બિદડા ઉપથાણાના સહાયક ફોજદાર દિપસિંહ એલ. સોઢાને મળેલી બાતમીના આધારે વહેલી પરોઢના નાની ખાખર ગામની સીમમાં નર્મદા કેનાલ નજીક છાપો માર્યો હતો. પોલીસ ટુકડીને જોઈ નાની ખાખર ગામના પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથીયો હેમુભા જાડેજા, સહદેવ ઉર્ફે સદો લાખુભા જાડેજા નાસી છુટયા હતા. ત્રણેય આરોપીઓ વિદેશી શરાબનું કટીંગ કરી રહ્યા હતા, ત્યારે જ છાપો મારવામાં આવ્યો હતો.ટેન્કર બંકર નંબર જી.જે. ૧૨ ઝેડ ૩૪૮૦ તથા મહેન્દ્રા બોલેરો જી.જે. ર૪ ઝેડ વી ૩૧૦૭માંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની મેકડોવેલ વ્હીસ્કીની પેટીઓ નંગ ૮૮, બોટલો નંગ ૧૦૫૬ તથા પાર્ટી સ્પેશીયલ વ્હીસ્કીની પેટીઓ નંગ ૧૦૭, બોટલો નંગ ૧૨૮૪ એમ કુલ ર૩૪૦ બોટલ શરાબ કિ.ર્ર. ૯,૩૬,૦૦૦નો જથ્થોમળી આવ્યો હતો. દારૂની હેરાફેરી માટે તથા શરાબની ડિલીવરી લેવા આવેલા ટેન્કર બંકર તથા બોલેરોની કિ.રૂ ૧૭ લાખ આંકી તાલપત્રી સહિત૨૬,૩૬,૫૦૦નો મુદ્દામાલ કબજે લઈ નાસી છૂટલા ત્રણેય આરોપીઓ સામે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે.