ભારતીય ટેન્કર જહાજ ઉપર ઈરાની ગોળીબાર

copy image

copy image

ઇરાને શનિવારે 24 કલાકથી ઓછા સમયગાળામાં યુ-ટર્ન લઇ નાખતાં ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી નાખ્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટનાક્રમ વચ્ચેના એક ચોંકાવનારા બનાવમાં હોર્મુઝની ખાડી પસાર કરી રહેલાં 14 ભારતીય જહાજને રોકયાં હતાં, જેમાંથી બે ભારતીય ટેન્કર જહાજ ઉપર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ ભારતીય જહાજોને પાછું વળવું પડયું હતું. ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી. નોંધપાત્ર બાબત એ છે કે, ઈરાની દળોએ કોઈ ચેતવણી વિના જ ગોળીબાર કર્યો હતો. દરમ્યાન, આ ઘટનાની નોંધ લેતાં ભારતે ઈરાનના રાજદૂતને બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા આ બે માંથી એક ભારતીય જહાજ 20 લાખ બેરલ ઈરાકી તેલ લઈને આવતું હતું. દેશના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને બતાવ્યું હતું કે, નવી દિલ્હીમાં ઈરાનના રાજદૂત ડો. મોહમ્મદ ફથઅલીને બોલાવીને ભારતીય જહાજો પર ગોળીબારની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો. ઇરાને મહત્ત્વનો જળમાર્ગ હોર્મુઝ ખોલવાનું શુક્રવારે એલાન કર્યા પછી પણ શનિવારે અનેક ભારતીય ટેન્કરોને ફારસની ખાડી (પર્શિયન લગ્ફ) પાસેથી યૂ-ટર્ન લેવો પડયો હતો. બ્લૂમ બર્ગના અહેવાલ અનુસાર ભારતીય ટેન્કર સન્માર હેરાલ્ડ દેશગરિમા, દેશવૈભવ અને દેશવિભોર દુબઇથી હોર્મુઝ તરફ જઇ રહ્યાં હતાં, પરંતુ અડધા રસ્તેથી જ પરત ફરી ગયાં. ચાર ભારતીય અને બે ગ્રિક જહાજ સમુદ્રી માર્ગેથી પસાર ન થઇ શકયાં.