આદિપુરમાં લિફ્ટ માંગી 2.45 લાખની લૂંટ

આદિપુરમાં એક મહિલાએ કારચાલક વેપારી પાસેથી લિફ્ટ માગી પોતે પરેશાન હોવાનું કહી આગળ જઇ પોતાના સાગરિતને બોલાવી આ વેપારી પાસેથી રૂા. 2,45,000ની છરીની અણીએ ધોળા દિવસે લૂંટ ચલાવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વરસામેડીની બાગેશ્રી ટાઉનશિપ-બેમાં રહી ગાંધીધામ સુભાષનગર પાસે ડી.સી.-બેમાં ગુપ્તા પ્લાયવૂડ નામની દુકાન ચલાવતો યુવાન વેપારી આ બનાવનો ભોગ બન્યો હતો. વેપારી ગત તા. 19/4ના બપોરે કાર લઇને પોતાના ઘર બાજુ જવા નીકળ્યો હતો. આ ફરિયાદી આદિપુરમાં નર્મદા ભવન પાસે પહોંચતાં અચાનક ગાડી આગળ મોઢે દુપટ્ટો બાંધેલી 25થી 30 વર્ષીય એક મહિલા આવી હતી, જેથી ફરિયાદી યુવાને કેમ આવું કર્યું તેવું કહેતાં મહિલા રડવા લાગી હતી અને ખૂબ પરેશાન છું. મારી પાસે ભાડાંના પૈસા નથી, મને ઘરમાંથી કાઢી મૂકી છે અને જુમાપીર ફાટક ઉતારી દેવાનું કહેતાં વેપારીએ માનવતા બતાવી તેને ગાડીમાં બેસાડી હતી અને જુમાપીર ફાટક આગળ મેદાન પાસે પહોંચી ઊતરી જવાનું કહ્યું હતું. દરમિયાન, રસ્તામાં મહિલાએ કોઇને ફોન કર્યો હતો. મેદાન પાસે ગાડી ઊભી રહેતાં એક શખ્સ બાઇક લઇને ત્યાં પહોંચી ગાડીમાં પાછળ બેસી ગયો હતો અને છરી કાઢી વેપારીનાં ગળાં પર છરી રાખી હતી અને તેણે પહેરેલી સોનાની ચેન ખેંચી લીધી હતી. વેપારીએ ગાડીને ટેસ આપતાં ગાડી ભગાડી હતી અને ત્યાં મેદાનમાં ક્રિકેટ રમતા છોકરાઓને રાડારાડ કરી બોલાવતાં તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને એક મહિલા, શખ્સે પોતાને લૂંટી લીધો હોવાની વાત કરી હતી. આ બંને ગાડીમાંથી ઊતર્યા બાદ આરોપી શખ્સે ફરિયાદીનો મોબાઇલ તેની સામે ફેંક્યો હતો અને મારા વિશે કિડાણામાં કોઇને પૂછી લેજે કે હું કોણ છું . ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આવા કેટલાય ગુના મારા પર દાખલ થયેલા છે, તેવી ધમકી આપી હતી. બેલડીએ વેપારી યુવાન પાસેથી સોનાની ચેન, રોકડ રૂા. 15,000 એમ કુલ 2,45,000ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. 1