ઈરાન અને અમેરિકા વચ્ચે નવેસરથી યુદ્ધના એંધાણ
copy image

ઈરાન અને અમેરિકા વચ્ચે નવેસરથી યુદ્ધ ફાટી નીકળે તેવાં એંધાણ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને `અંતિમ’ ચીમકી આપી છે, તો ઈરાને પણ વળતો વાર કર્યો છે. ટ્રમ્પે `અંતિમ’ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, માનવીય દૃષ્ટિકોણથી સૈન્ય વિકલ્પ અપનાવવા નથી માગતા, પરંતુ ઈરાન નહીં માને તો બળપ્રયોગનો અંતિમ વિકલ્પ હશે. બન્ને વચ્ચે મડાગાંઠ વધુ ને વધુ જટિલ બનતી જાય છે. ઈરાની સેનાએ કહ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયલ સામે ફરીથી યુદ્ધ શરૂ થવાની શક્યતા છે. ઈરાની સેનાના અધિકારી મોહમ્મદ જાફર અસાદીએ જણાવ્યું હતું કે, અમેરિકા કોઈ પણ સમજૂતીનું પાલન નથી કરતું. અમેરિકાના અધિકારીઓનાં નિવેદન માત્ર દેખાડાનાં હોય છે. તે મીડિયા મારફત બધું બરાબર હોવાનું દેખાડવા માગે છે, જેથી ક્રૂડઓઈલના ભાવ નીચા ન જાય અને તે આ સ્થિતિમાંથી નીકળી શકે.તેમણે વધુમાં જણાવ્યું કે, ઈરાનની સેના પૂરી રીતે તૈનાત છે અને જો કોઈ હુમલો થાય તો તેનો જવાબ આપવામાં આવશે. તેમણે આક્રમકતા દેખાડીને કહ્યું હતું કે, અમેરિકા જો કોઈ મૂર્ખતા કરે તો ઈરાનની સેના તેનો જવાબ આપવા માટે તૈયાર છે.