મુન્દ્રા,તા.૨૩: સમાજમાં વધતી જતી વસ્તીની સ્થિરતા લાવવા સારું અને સામાન્ય જનસમુદાયમાં આ બાબતની જાગૃતિ આવે તે ઉદ્દેશથી ચાલુ વર્ષના સૂત્ર “કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્વાસ્થયની પુરી તૈયારી” ને સાર્થક કરવા રોટરી હોલ મુંદ્રા ખાતે તાલુકાની તમામ ફિમેલ હેલ્થ વર્કર તથા આશા બહેનોના સંમેલનનને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી છાયાબેન ગઢવી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, તાલુકા વિકાસ અધિકારી એમ. જી. વાયડા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ગિરવર બારીઆ, રોટેરિયન અતુલ પંડ્યા, નરેન્દ્ર દવે, સુનીલ વ્યાસ, અદાણી ફાઉન્ડેશનના મનહર ચાવડા વિગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં ડો. ગિરવર બારીઆએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને પ્રાસંગિક રૂપરેખા આપી હતી.
અધ્યક્ષ સ્થાનેથી બોલતા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી છાયાબેન ગઢવીએ આરોગ્ય અને શિક્ષણના સમન્વયથી કુટુંબ કલ્યાણના કાર્યક્રમને વેગ મળશે તેમ જણાવીને બહેનો સૌથી પહેલા પોતાના સ્વાસ્થ્યનું ખ્યાલ રાખે તેવી શીખ આપી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે મોડા લગ્ન, પ્રથમ બાળક લગ્નબાદ તુરંત નહીં, બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર અને કુટુંબના સર્વાંગી વિકાસમાં નાના કુટુંબનો ફાળો, બેટી બચાવો, બેટી વધાવો, કુટુંબ નિયોજનની કાયમી – બિન કાયમી પધ્ધતિઓ વિગેરે વિષે પ્રોજેકટરના માધ્યમથી વિસ્તૃત ચર્ચા કરીને માતા અને બાળ મરણ અટકાવવા પરિવાર નિયોજન કઈ રીતે ઉપયોગી થઇ શકે એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી એમ. જી. વાયડાએ આશાઓ અને મહિલા આરોગ્ય કાર્મચારીઓને પાયાના પથ્થરનું બિરુદ આપીને સારી કામગીરી અંગે અભિનંદન આપ્યા હતા. ડૉ. મનોજ દવેએ કુટુંબ નિયોજન માટે સરકારમાં નવી દાખલ થયેલી ત્રણ માસમાં એક વખત લેવાતા ઈન્જેકશન અંતરા તથા અઠવાડિયામાં એક વખત લેવાની ગોળી છાયા અંગે માહિતી આપીને સામુહિક આરોગ્ય કેન્દ્ર મુન્દ્રામાં આ સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ હોવાની જાણકારી આપી હતી. અદાણી ફાઉન્ડેશનના કરશન ગઢવીએ દિવ્યાંગો તથા વિધવા સહાય માટે ચાલતા પ્રોજેક્ટની જાણકારી આપતા આગામી ૨૬ જુલાઈના સામુહિક આરોગ્ય કેન્દ્ર મુન્દ્રા ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લે તેવી અપીલ કરી હતી.
કુટુંબ કલ્યાણ ક્ષેત્રે વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન શ્રેષ્ટ કામગીરી કરનાર તાલુકાનાં સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ફિમેલ હેલ્થ વર્કર ધારાબેન રમેશગર ગુસાઈ (બેરાજા), ભાવનાબેન જેઠાભાઈ મહેશ્વરી (લુણી), સ્મિતાબેન રમણભાઈ પટેલ (નવીનાળ), મંજુલાબેન પચાણભાઈ મેઘાણી (મુન્દ્રા-૧), ભાવનાબેન ફુલસિંહ પટેલ (ગેલડા), સાધનાબેન રમણીકભાઈ ત્રિવેદી (પ્રાગપર-૧), ક્રિષ્નાબેન મહેન્દ્રભાઈ જોષી (બારોઇ-૩) તથા આશા બહેનો જીવીબેન ભીમાભાઈ રબારી (બોચા), રમીલાબેન મહેન્દ્રભાઈ દરજી (લુણી), કંચનબા રઘુવીરસિંહ જાડેજા (ટૂંડા), પુજાબેન મંગલભાઈ ભરાડીયા (ઝરપરા-૧), પુજાબેન જીતેનભાઈ રાજગોર (ભોરારા), જમીલાબેન સાજીદ લંગા (સમાઘોઘા), પ્રફુલ્લાબા સ્વરૂપસિંહ જાડેજા (છસરા)નું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઇ જાટીયાએ કર્યું હતું. સેમિનારને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસના પ્રકાશ ઠકકર, શીતલ કંસારા, હરેશ રાઠોડ, સુધીર ઝાલા, રાજસી સોલંકી તથા રામજી મહેશ્વરીએ જહેમત ઉઠાવી હતી.