કોલેજ કેમ્પસ ડે પર કચ્છની કોલેજોમાં ઉજવાયો જળશક્તિ અભિયાન

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૨૫૦ જિલ્લામાં જળશક્તિ અભિયાન હાથ ધરાઇ છે અને તેમાં ગુજરાતમાંથી પસંદ કરાયેલા કચ્છમાં હાલે ચાલી રહેલી જળશક્તિ અભિયાનની કામગીરીમાં જનજાગૃતિ કેળવવાના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીનાં માર્ગદર્શન અને પ્રેરણા સાથે કચ્છ યુનિવર્સિટીના સાથ-સહકારથી કચ્છની તમામ કોલેજોમાં આજથી જળશક્તિ અભિયાન કોલેજ કેમ્પ ડે ઉજવણીનો પ્રારંભ કરાયો છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એમ.પ્રજાપતિના જણાવ્યા અનુસાર કચ્છની શૈક્ષણિક સંસ્થાઓમાં જળશક્તિ અભિયાન અંતર્ગત જળસંચય અને વૃક્ષારોપણની પ્રવૃતિઓ વધે તે માટે સતત પ્રયાસો કરાઇ રહ્યા છે. સાથો-સાથ કચ્છની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં યુવા વિદ્યાર્થીઓ દ્વારા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો દ્વારા જળશક્તિ અભિયાનને વ્યાપક બનાવવા કોલેજ કેમ્પસ ડેની ઉજવણી કરાઇ રહી છે.કેએસકેવી કચ્છ યુનિવર્સિટી સલગ્ન કોલેજો ઉપરાંત અન્ય યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી એન્જિનિયરિંગ કોલેજના છાત્રો દ્વારા પણ જળશકિત અભિયાન અને વૃક્ષારોપણના ડીજીટલ પ્રેઝન્ટેશન, ચિત્ર સ્પર્ધા, ચર્ચાસભા, પોસ્ટર વર્ક, કવીઝ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, અને લોકજાગૃતિના નવા-નવા આયામો ધરાવતા કાર્યક્રમો યોજી કોલેજ કેમ્પસની પ્રવૃતિઓ દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાવાઇ રહી છે.જળશકિત અભિયાન અને વૃક્ષારોપણના કાર્યક્રમો દ્વારા કચ્છમાં વહીવટીતંત્ર અને શિક્ષણતંત્ર દ્વારા જનજાગૃતિનું સારૂ એવું વાતાવરણ નિર્માણ થાય એ સાથે કરાઇ રહેલી કામગીરીમાં લોકોનું યોગદાન વધે તેવા પ્રયાસો કરી વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર, વૃક્ષોનું જતન, વરસાદી પાણીનો સંગ્રહ થકી કચ્છમાં જળશકિત અભિયાન અને વૃક્ષારોપણ જેવા અતિ મહત્વના કાર્યોને સફળ બનાવવા જહેમત ઉઠાવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *