બંગાળમાં `ભાજપરાજ’; શુભેન્દુ બન્યા નવા સીએમ
copy image

વિધાનસભા વિખેરાતાંની સાથે જ દોઢ દાયકાના `મમતારાજ’નો અંત આવ્યાના બે દિવસ બાદ શનિવારે પશ્ચિમ બંગાળમાં `ભાજપરાજ’ના નવા યુગનો ઉદય થયો હતો. મળતી માહિતી અનુસાર મમતાને પરાજય આપવાના પુરસ્કાર રૂપે પસંદગી પામેલા 55 વર્ષીય શુભેન્દુ અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 મુખ્યમંત્રીઓ સહિત દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે શપથગ્રહણ કર્યા હતા અને વિધિવત્ રીતે બંગાળની બાગડોર સંભાળી હતી. શપથ બાદ વડાપ્રધાન મોદીએ ભેટીને શુભેન્દુને શુભેચ્છા પાઠવી હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 207 બેઠકો પર પ્રચંડ વિજય મેળવીને કેસરિયા પક્ષે ઈતિહાસ રચ્યા બાદ આજે કોલકાતાનાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. બંગાળના રાજ્યપાલ આર. એન. રવિએ શુભેન્દુને શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણ પ્રસંગમાં વડાપ્રધાન મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપ, એનડીએ શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રી જોડાયા હતા. સમારોહમાં સૌથી પહેલાં મોદીએ મંચ પરથી રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતી નિમિતે નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. દરમ્યાન વડાપ્રધાને ભાજપના 98 વર્ષના વડીલ કાર્યકર માખનલાલ સરકારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. મંચ પર આવતાં જ મોદી સીધા સરકાર પાસે ગયા અને પગે લાગ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાને સમારોહનાં સ્થળ પર ઊમટેલા સમર્થક સમુદાય તેમજ બંગાળની જનતાને દંડવત્ પ્રણામ કર્યા હતા. શુભેન્દુ અધિકારીએ પણ શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.