પશ્ચિમ કચ્છના સાગરકાંઠાની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ
copy image

પશ્ચિમ કચ્છના સાગરકાંઠે તણાઈ આવતા માદક પદાર્થો અને ડ્રોનના પાંખિયા તથા ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમનો ભંગાર મળતાં સુરક્ષા એજન્સીઓની સાથે-સાથે સ્થાનિક પોલીસ પણ સજ્જ બની છે અને પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર દેશની સુરક્ષા અર્થે કોઈ કચાશ ન રે તે ધ્યાનમાં લઈને વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજી અને કોસ્ટલ પોલીસ ખાસ ટીમો બનાવી રાઉન્ડ ધી ક્લોક ઊંટ,ઘોડા,બાઈક અને ફૂટ પેટ્રોલિંગ સાથે સજ્જ બની છે. જેની સફળતાના ભાગરૂપે ગત તા. 2/5થી અત્યાર સુધી માદક પદાર્થના 62 પેકેટ જેની કિં. રૂા. 1.55 કરોડનો મુદ્દામાલ મળ્યો છે. આ ઉપરાંત ડ્રોનના ત્રણ પાંખિયા પણ મળી આવ્યાં છે. પોલીસની ટીમોનું પેટ્રોલિંગ અને માછીમારો તથા કાંઠાળ વિસ્તારના ગ્રામજનો સાથેના સંકલનની રોચક વિગતો સામે આવી છે. આ પેકેટ ક્યાંથી આવે છે, તેનું પગેરું હજુ સુધી મળ્યું નથી. સતત ખણખોદના પગલે વિવિધ એજન્સીઓ અને સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સામેપારથી માદક પદાર્થ સાથે આવતી બોટ અહીંની કોસ્ટગાર્ડ ટીમને જોઈ જતાં તેઓ માદક પદાર્થનો જથ્થો દરિયામાં પધરાવી દેતા હોય છે, જે દરિયાનાં મોજાં સાથે અહીં સમુદ્રકાંઠે આવી પહોંચે છે. બીજી થિયરી મુજબ ઘૂસણખોરો વિવિધ નિર્જન ટાપુ પર આવાં પેકેટ છુપાવી રાખે છે અને લાગ મળ્યે કાઢવાની પેરવીમાં હોય છે, પરંતુ લાગ ન મળતાં જથ્થો ત્યાં જ ધરબાયેલો હોય, આ વચ્ચે સમુદ્રી પાણી ફરી વળતાં આ પેકેટ વેર-વિખેર બિનવારસુ હાલતમાં મળી આવ્યાના કિસ્સા અગાઉ પણ સામે આવી ચૂક્યા છેસાગરકાંઠાની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ