“કંડલા પોર્ટ પર અરેરાટી – જહાજના હોલ્ડમાં ગુંગળામણથી 3 શ્રમિકોના કમકમાટીભર્યા મોત, આખા કચ્છમાં શોકની લહેર”

કચ્છના કંડલા દીનદયાળ પોર્ટ પરથી આજે બપોરે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બર્થ નંબર 13 પર ઉભેલા ‘એમ.વી. પાન ઓપ્ટિમમ’ જહાજમાં કાર્ગો ઓપરેશન દરમિયાન ત્રણ શ્રમિકોએ દુઃખદ રીતે જીવ ગુમાવ્યો છે.

શું બની હતી ઘટના?
મળતી માહિતી મુજબ આજે અંદાજે 11:50 વાગ્યે જહાજના કાર્ગો હોલ્ડ નંબર 3 ના મેન હોલ વિસ્તારમાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો અચાનક બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જહાજના ક્રૂ અને પોર્ટના સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.

મૃતક શ્રમિકોના નામ
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિકોના નામ રાજેશ, માસુમ અલી અને રાજ કુમાર હોવાનું સામે આવ્યું છે. ત્રણેય રિષિ શિપિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હેઠળ કાર્યરત હતા.

તપાસ શરૂ
આ ગંભીર ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે. શ્રમિકોના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ હોલ્ડમાં ગુંગળામણ અથવા ઝેરી ગેસના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા છે.

આ ઘટનાથી શ્રમિક આલમમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.