PM મોદીને સવાલ પૂછનાર નોર્વેની પત્રકારના ફેસબુક-ઇન્સ્ટા એકાઉન્ટ થયા સસ્પેન્ડ
copy image

પીએમ મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન સવાલ પૂછીને ચર્ચામાં આવેલી નોર્વેની મહિલા પત્રકાર હેલી લિંગે હવે એક નવો દાવો કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઓસ્લોમાં પીએમ મોદીને તીખા સવાલો પૂછવા અને ભારતીય અધિકારી સિબી જ્યોર્જ સાથે દલીલબાજી કર્યા બાદ, હેલી લિંગે દાવો કર્યો છે કે ઇન્ટરનેટ પર ભારે ટ્રોલિંગ વચ્ચે મેટા કંપનીએ તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે.હેલીએ X પર આ અંગેની માહિતી શેર કરતા લખ્યું કે, ‘પ્રેસની આઝાદી માટે આ બહુ નાની કિંમત છે, પરંતુ મેં મારી જિંદગીમાં ક્યારેય આવો અનુભવ કર્યો નથી. હું વધુમાં વધુ ભારતીયોને જવાબ આપવા માંગતી હતી, પરંતુ હવે મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયા છે, જેથી જવાબ આપવામાં વિલંબ થશે. મને આશા છે કે મેટા મારા એકાઉન્ટ્સ ટૂંક સમયમાં પાછા આપી દેશે.’આ સમગ્ર વિવાદની શરૂઆત ઓસ્લોમાં ભારત અને નોર્વેના પીએમની સંયુક્ત મીડિયા બ્રીફિંગ દરમિયાન થઈ હતી. પ્રેસ મીટ પૂરી થતાં જ જ્યારે પીએમ મોદી રૂમની બહાર નીકળી રહ્યા હતા, અખબાર સાથે જોડાયેલી મહિલા પત્રકાર હેલી લિંગે પાછળથી બૂમ પાડીને પૂછ્યું હતું કે, ‘દુનિયાના સૌથી સ્વતંત્ર પ્રેસના સવાલોના જવાબ કેમ લેવામાં નથી આવી રહ્યા?’ એટલું જ નહીં, બાદમાં તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘નોર્વે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ(પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક)માં પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત 157મા ક્રમે છે. સરકારોને સવાલ પૂછવા એ જ પત્રકારોની મુખ્ય જવાબદારી છે.’ હેલીના આ સવાલ પર ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જે સણસણતો જવાબ આપતા સત્તાવાર બ્રીફિંગમાં કહ્યું હતું કે, જેમને ભારત વિશે કોઈ સમજ નથી, તેમણે આવા સવાલો ન ઉઠાવવા જોઈએ.