કચ્છની ધરતી હવે દિલ્હીના દિલ સુધી, ભુજ-દિલ્હી નવી ટ્રેનનો શુભારંભ થતાં લાખો કચ્છીઓની આંખો હર્ષથી છલકાઈ

કચ્છના મુખ્ય મથક ભુજના રેલવે પ્લેટફોર્મ પર એવો ઐતિહાસિક નજારો સર્જાયો કે દરેક કચ્છીની છાતી ગર્વથી ફુલાઈ ગઈ ભુજથી દેશની રાજધાની દિલ્હી માટે નવી ટ્રેન “ભુજ-દિલ્હી એક્સપ્રેસ”ને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી. સરકારે કચ્છ-ભુજને વધુ એક અમૂલ્ય ભેટ આપી છે. આ ટ્રેન એટલે માત્ર પાટા પર દોડતા ડબ્બા નથી, આ કચ્છના લાખો લોકોના સપનાની સવારી છે. હવે માડીનો ખોળો છોડીને દિલ્હી ભણવા જતા દીકરા-દીકરીને, રોજીરોટી માટે જતા યુવાનોને, અને દેશની રાજધાનીમાં સારવાર માટે જતા દર્દીઓને નવો આસરો મળ્યો છે લીલી ઝંડી લહેરાઈ ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલા વડીલોની આંખોમાંથી હરખના આંસુ સરકી પડ્યા. વર્ષોની માગણી પૂરી થઈ. હવે કચ્છથી દિલ્હીનું અંતર માત્ર કિલોમીટરમાં રહી ગયું છે, દિલથી દિલ તો આજે જ જોડાઈ ગયા આ ટ્રેન કચ્છના વિકાસની નવી પાટા પર દોડશે. વેપાર વધશે, પ્રવાસન ખીલશે અને દરેક કચ્છીને હિન્દુસ્તાનના દિલ સુધી સીધી પહોંચ મળશે ભુજનું સ્ટેશન બોલી ઉઠ્યું: આવો, બેસો, દિલ્હી સુધીનો પ્રવાસ હવે આપણો પોતાનો છે.