ગાંધીધામ BSF કેમ્પમાં જવાનનું શંકાસ્પદ મોત : સર્વિસ રાઈફલથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ સ્થિત BSF કેમ્પમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર BSFમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પંકજભાઈ મિમાકીયા (ઉંમર વર્ષ 24) એ સવારે આશરે 09:00 વાગ્યાના અરસામાં કેમ્પસની અંદર પોતાની સર્વિસ રાઈફલ વડે ગોળી મારી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટના બનતા જ અન્ય જવાનો દ્વારા તાત્કાલિક ઇજાગ્રસ્ત જવાનને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બપોરના સમયે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આ બનાવ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણસર ઘટના બની છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
આ બનાવને પગલે BSF કેમ્પ તેમજ સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.