‘કોકરોચ જનતા પાર્ટી’ ને પડકારવા હવે ‘ઓગી જનતા પાર્ટી’ મેદાને

copy image

copy image

સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સૂર્યકાંત દ્વારા યુવાઓ પર કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિવાદ હવે એક નવા જ સ્તરે પહોંચી ગયો છે. ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલી ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP)ને ટક્કર આપવા માટે હવે તેની વિરોધી પાર્ટી ‘ઓગી જનતા પાર્ટી’ (OJP)નો જન્મ થયો છે. જાણીતી કાર્ટૂન સિરીઝ ‘ઓગી એન્ડ ધ કોક્રોચેઝ’ પરથી પ્રેરણા લઈને બનેલી આ ઓજેપીએ હવે સોશિયલ મીડિયા પર સીજેપી સામે મોરચો ખોલી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ‘કોક્રોચ જનતા પાર્ટી’એ છેલ્લા ત્રણ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોને પણ પાછળ છોડીને ભારે લોકપ્રિયતા મેળવી છે, જોકે ભારતમાં તેનું X હેન્ડલ બંધ કરી દેવામાં આવ્યું છે. ઓજેપીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ પ્રતિકાત્મક પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ પ્રકારના કોક્રોચનો નાશ કરવાનો છે. પાર્ટીએ સ્પષ્ટ નારો આપ્યો છે કે, ‘કોઈપણ રોચ (કોક્રોચ), ગમે તે સાઈઝનો કે ગમે તે પ્રજાતિનો હોય, તેને ખતમ કરવામાં આવશે.’ આ સાથે જ ઓજેપીએ સીજેપીની તીખી આલોચના કરતા ઇન્સ્ટાગ્રામ પર સ્વતંત્રતા સેનાનીઓની તસવીરો શેર કરી છે. ઓજેપીએ લખ્યું છે કે, ‘તલવારની ધાર પર બનેલી આ ભૂમિના યુવાઓ આજે પોતાને કોક્રોચ કહેવડાવવામાં ગર્વ અનુભવી રહ્યા છે, જે વાસ્તવમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી હોવાના લક્ષણો છે.’ એનિમલ વેલફેર અને NEET પેપર લીક મુદ્દે નવો એજન્ડા :’ઓગી જનતા પાર્ટી’એ માત્ર વિરોધ કરવાને બદલે પશુઓની સુરક્ષા માટે પોતાનો એક અલગ ઢંઢેરો (મેનિફેસ્ટો) પણ જાહેર કર્યો છે. જેમાં પશુઓ માટે ફ્રી હેલ્થકેર, કડક કાયદા, વધુમાં વધુ શેલ્ટર હોમ અને એડોપ્ટેશન કેમ્પેઈન ચલાવવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત, દેશમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવીને ઓજેપીએ પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ પણ કરી છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ઓજેપીના 10 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે.