ગૂલમર્ગમાં રોપ-વે સર્વિસ ખોરવાયા બાદ 300 પ્રવાસીઓનું રેસ્ક્યૂ

જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં સોમવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી અનુસાર દુનિયાના ત્રીજા સૌથી ઊંચા રોપવે, ગુલમર્ગ ગોંડોલામાં ટેકનીકલ ખરાબી આવી જતાં 300 જેટલા પર્યટકો હવામાં ફસાયેલી કેબલ કારોમાં જ અટકી ગયા હતા. આ બનાવથી પર્યટકોની સાથે સ્થળ ઉપર રહેલા લોકોના જીવ તાડવે ચોટયા હતા. બાદમાં પ્રશાસને મોટાપાયે રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યું હતું. સેના, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની સંયુક્ત ટીમે તમામ પર્યટકોને સુરક્ષિત રીતે કેબલ કારમાંથી નીચે લાવ્યા હતા. સેના તરફથી જાણકારી આપવામાં આવી હતી કે ટેક્નીકલ ખરાબીના કારણે કુલ 65 કેબિન અધવચ્ચે ફસાઈ હતી. સૂચના મળતા જ ચિનાર કોર તરફથી ઝડપથી રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને લોકોને રેસ્કયૂ કરવાની સાથે કેબલ કાર સિસ્ટમને બહાલ કરવા કવાયત કરવામાં આવી હતી. આ મામલે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે સરકારની પુરા ઘટનાક્રમ ઉપર નજર છે, તમામ કેબિન સુરક્ષિત છે અને પ્રશિક્ષિત ટીમો પર્યટકોને  સુરક્ષિત બહાર લાવવા કવાયત કરી રહી છે. સ્થિતિ પુરી રીતે નિયંત્રણમાં છે અને ડરવાની જરૂર નથી.આ દરમિયાન ઘટનાના ઘણા વીડિયો અને તસવીરો સામે આવી હતી. જેમાં રેસ્કયૂ ટીમ  રસ્સી, સીડી સહિતના સાધનોથી પર્યટકોને  બહાર લાવવા કવાયત કરી રહ્યા હતા.