ગાંધીધામમાં દુકાન-સામાન લઇ ચૂકવણુ ન કરી 22 લાખની છેતરપિંડી

copy image

copy image

ગાંધીધામ શહેરના ચાવલા ચોકમાં દુકાન ભાડે લઇ તેમજ મોબાઇલની એસેસરીઝ લઇ અને બાદમાં ભાડું કે સામાનના રૂપિયા ન આપતાં શખ્સ સામે રૂા. 22,70,434ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. મળતી માહિતી મુજબ શહેરના એસ.ડી.એક્સ. નોર્થ વિસ્તારમાં રહેનાર યુવાન અહીં મોબાઇલ લે-વેચની દુકાન ચલાવે છે. અહીં અગાઉ આરોપી એવો ઈસમ પાયલ ટેલિકોમ નામની દુકાન ચલાવતો હતો. કોરોના સમયમાં તેણે દુકાન બંધ કરી નાખી હતી. બાદમાં તે ફરિયાદી પાસે આવી પરિસ્થિતિ ખરાબ હોવાનું કહી મોબાઇલ સ્પેરપાર્ટ, એસેસરીઝનો ધંધો ચાલુ કરવો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ પોતાની દુકાન પાછળનો ભાગ તેને ભાડે આપ્યો હતો અને દુકાનમાં રહેલ સરસામાન રૂા. 27,40,434માં આપવાનું નક્કી કરેલ હતું. બાદમાં આરોપીએ સોદા પેટે રૂા. પાંચ લાખ આ ફરિયાદીને આપ્યા હતા તથા બાકીના તા. 1/5/2026ના આપવાનો હતો, જે અંગે ધારાશાત્રી પાસેથી લખાણ પણ કરાયું હતું. દુકાનના ભાડાના તથા બાકી નીકળતા રૂપિયાની વ્યવસ્થા કરવા ગામડે જાઉં છું તેમ કહી આ શખ્સ ગામડે ચાલ્યો ગયો હતો.  બાદમાં ફરિયાદીએ ફોન કરતાં ફોન ઉપાડતો ન હતો તેમજ હવે ફોન કર્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઇલ બંધ કરી નાખ્યો હતો. પોલીસે રૂા. 22,70,434ની છેતરપિંડી, વિશ્વાસઘાત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.