બ્રાઝીલથી કોકેઇનનો જથ્થો ગુજરાતના દરીયા ખાતેથી દિલ્હીમાં ડીલીવરી કરવાના કાવતરાનો પર્દાફાશ કરતી ગુજરાત A.T.S તથા ભારતીય કોસ્ટગાર્ડ

ગુજરાત એ.ટી.એસ.ના પો.ઇન્સ.શ્રી જે.એમ.પટેલનાઓને બાતમી હકિકત મળેલ કે, યુરોપ નામના કાર્ગો વહાણમાં તેના કુ મેમ્બર Ngingite Nassoro Jumanne તથા Juma Nasir Omar તથા તેમના મળતીયાઓ બ્રાઝીલથી આશરે ૬ થેલાઓમાં ૧૫૦ કીલો જેટલો માદક પદાર્થ કોકેઇનનો જથ્થો સંતાડી લાવી તા.૨૬/૦૫/૨૦૨૬ ના વહેલી સવાર દરમ્યાનમાં મુન્દ્રા સામે દરીયામાં આઉટર એન્કરેજ વિસ્તારમાં કોઇ ફીશીંગ બોટમાં ડીલીવરી કરનાર છે અને આ કોકેઇનનો જથ્થો દીલ્હી ખાતે રહેતા Kelvin Chukwuma તથા Byaruhanga James નાઓને ડીલીવરી થનાર છે.
જે બાતમીની જાણ ગુજરાત એ.ટી.એસ.ના વરિષ્ઠ અધિકારીશ્રીઓને કરતા તેઓના હુકમ આધારે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષકશ્રી કે.સિધ્ધાર્થનાઓની નેતૃત્વ હેઠળ પો.ઇન્સ. શ્રી વી.આર.જાડેજા, પો.ઇન્સ. શ્રી બી.એમ.પટેલ તથા પો.વા.સ.ઇ. શ્રી જે.પી.વરમોરા નાઓની ટીમ મુંદ્રા ખાતે રવાના કરેલ તથા પો.કો. હરજીતસિંધ રાજ, પો.કો. અહેમદ મકવાણા તથા પો.કો. દિવ્યરાજસિંહ ચૌહાણ નાઓની ટીમ એ.ટી.એસ. ખાતે ટેકનિકલ કામગીરીમાં રોકાયેલ હતી. ગુજરાત એ.ટી.એસ.ની ટીમે મુન્દ્રા ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની બોટમાં રવાના થઇ બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં રહેલ હતા. જે દરમ્યાન ત્યાં આજુબાજુમાં ઉભેલ મોટા કાર્ગો વહાણ નજીક જઇ ખાત્રી કરતા યુરોપ નામનુ કાર્ગો વહાણ આઉટર એન્કરેજ એરીયામાં હાજર મળી આવેલ. જેમાં ડેક એરીયામાં બે ઇસમોની મુવમેન્ટ
જોવા મળેલ જેઓએ કોસ્ટગાર્ડની બોટ જોતા કેટલાક વજનદાર થેલાઓ પાણીમાં ફેંકેલ. જે કોસ્ટગાર્ડની મદદથી પાણીમાં તરતા પાંચ થેલા રીકવર કરવામાં આવેલ.
આ થેલાઓ પૈકી બે થેલામાંથી એક એક પાર્સલ તોડી તેમાંના પદાર્થમાંથી જરૂરી માત્રામાં પદાર્થ લઇ ડ્રગ્સ ડીટેક્શન કીટ વડે પરીક્ષણ કરતા તેમાં કોકેઇનની હાજરી હોવાનું જણાઇ આવેલ. આ પાંચેય થેલાઓમાંથી કુલ ૧૧૫ પેકેટ મળી આવેલ જેનું કુલ વજન ૧૧૮.૯૭૭ કિલો છે. આ થેલાઓ માંથી ૪ એપલ એર ટેગ્સ પણ મળી આવેલ. આ તમામ કામગીરી દરમ્યાન એસ.ઓ.જી કચ્છ-ભુજ પો.ઇન્સ. શ્રી એ.ડી.પરમાર, કોસ્ટલ તથા મરીન પોલીસ તથા તેઓની ટીમ સાથે રહેલ.
પાર્સલમાં કોકેઇનની હાજરી મળી આવતા યુરોપ કોર્ગો વહાણને રેડીયો મેસેજથી સુચના કરી વધુ તપાસ કરવા તથા વહાણના ફ્ર મેમ્બરોની પુછપરછ તથા ઝડતી કરવા માટે તે વહાણમાં એ.ટી.એસ. અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બોર્ડ કરવામાં આવેલ. જે બાદ વહાણના કેપ્ટનની હાજરીમાં તમામ ક્રુ મેમ્બર્સની ઝડતી અને પૂછપરછ કરવામાં આવેલ. જે દરમ્યાન બતમી વાળો ઇસમ નામે Juma Nasir Omar મળી આવેલ જેની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આ મુદ્દા માલ તે બ્રાઝીલથી લાવેલ અને બીજા ક્રુ મેમ્બર્સની જાણ બહાર પોતે મોટર રૂમમાં કામ કરતો હોઇ તેમાં નવેમ્બર ૨૦૨૫માં સંતાડેલ હતો અને તેના હેન્ડલરના કહેવા મુજબ આ માલની ડીલીવરી કરનાર હતો. કાર્ગો વહાણ ના સર્ચીગ દરમ્યાન અન્ય આરોપી Ngingite Nassoro Jumanneનાઓએ નાસી છુટવા માટે પાણીમાં ઝંપલાવી દિધેલ છે. જે અંગેની શોધખોળ હાલ ચાલુમાં છે. વધુ તપાસ કરતા વહાણના Steering Gear રૂમ માંથી તેમા સંતાડવામાં આવેલ Garmin કંપનીના બે ‘GPSMAP 671 GPS and satellite communicator’ પણ મળી આવેલ છે. જે અન્વયે ઉપરોક્ત મળી અવેલ તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી Juma Nasir Omar ની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ માલની ડીલીવરી લેનાર ઇસમો નામે Kelvin Chukwuma તથા Byaruhanga James નાઓને પણ દ્વારકા, દિલ્હી ખાતેથી દિલ્હી પોલીસની મદદથી ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા રાઉન્ડ અપ કરી ગુજરાત લાવવા તજવીજ હાથ ધરેલ છે. વહાણ ઉપર રહેલ બન્ને આરોપીઓ તાન્ઝાનીયાના છે અને દિલ્હીથી પકડવામાં આવેલ આરોપીઓ પૈકી એક નાઇજીરીયા તથા એક યુગાન્ડાનો વતની છે.
ઉપરોક્ત તમામ કામગીરી દરમ્યાન તથા શીપ બોર્ડીંગ તેમજ નાસી ગયેલ આરોપીની શોધખોળમાં મુંદ્ર પોર્ટ ઓથોરીટી દ્વારા મદદ કરવામાં આવેલ છે. આ ઓપરેશન ઇન્ટર-એજન્સી
સમન્વયનો ઉત્તમ દાખલો છે. આ ઇન્ટર-એજન્સી કોર્ડીનેશન થકી ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક મોટા ઇન્ટરનેશનલ ડ્રગ કાર્ટેલ વિરૂધ્ધ સફળ કાર્યવાહી કરવામાં આવેલ છે.