એ.સી.બી. ગાંધીધામની સફળ ડીકોય કામગીરી : ઇ-સ્ટેમ્પ માટે વધુ રૂપિયા લેતા બે શખ્સો રંગેહાથ ઝડપાયા

કચ્છ (પૂર્વ) એન્ટી કરપ્શન બ્યુરો, ગાંધીધામ દ્વારા આજે સફળ ડીકોય કામગીરી હાથ ધરી ઇ-સ્ટેમ્પની કાયદેસરની કિંમત કરતાં વધુ રકમ વસૂલતા બે આક્ષેપિતોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી. ગાંધીધામને અરજી આપવામાં આવી હતી કે ગાંધીધામ તાલુકાના આદીપુર વિસ્તારમાં કેટલાક સ્ટેમ્પ વેન્ડરો અરજદારો પાસેથી જુદાજુદા દરોના ઇ-સ્ટેમ્પ કાઢી આપવા બદલ નક્કી થયેલી કિંમત કરતાં વધુ રકમ વસૂલ કરે છે. આ હકીકતની ચકાસણી માટે એ.સી.બી. દ્વારા બે સરકારી પંચોની હાજરીમાં ખાનગી રાહે વોચ ગોઠવી ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીકોય દરમિયાન આક્ષેપિત જૈનીબેન નીતીનભાઇ સોની (ઉ.વ.૧૯, રહે. મેઘપર કુંભારડી, અંજાર) દ્વારા ડીકોયર પાસેથી કાયદેસરના ઇ-સ્ટેમ્પના નાણાં ઉપરાંત રૂપિયા ૩૩૦/-ની માંગણી કરી હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારબાદ ગેરકાયદેસર રીતે લાંચની રકમ સ્વીકારી આક્ષેપિત અનીલભાઇ સોમદત્ત નાથાણી (ઉ.વ.૫૫, ધંધો એડવોકેટ/ઇ-સ્ટેમ્પિંગ વેન્ડર, રહે. આદીપુર)ને આપી હતી. આક્ષેપિત અનીલભાઇએ રકમ પોતાના ઝભ્બાના છાતીના ભાગે આવેલા ખિસ્સામાં મુકતા બંનેને એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ કામગીરી દરમિયાન રૂપિયા ૩૩૦/-ની લાંચની રકમ રીકવર કરવામાં આવી હતી. ગુનાનું સ્થળ અનીલ એસ. નાથાણી કોમ્પલેક્ષ, વોર્ડ નં. ૨-એ, આદીપુર, તાલુકો ગાંધીધામ, જિલ્લો કચ્છ હોવાનું જાણવા મળ્યું છે.

આ સફળ ટ્રેપ કામગીરી જે.બી. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, કચ્છ (પૂર્વ) એ.સી.બી. પોલીસ સ્ટેશન, ગાંધીધામ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું સુપરવિઝન કે.એચ. ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે બળદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી