લાઓસ ગુફામાં 7 ગ્રામીણો 9 દિવસથી ફસાયા, 5 જીવતા મળ્યા પણ બહાર લાવવાનો રસ્તો જોખમી
copy image

દક્ષિણ-પૂર્વ એશિયાના લાઓસ દેશમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં સાયસોમ્બૂન પ્રાંતમાં સોનાની શોધમાં નીકળેલા 7 લોકો અચાનક પૂર આવવાના કારણે એક ઊંડી અને ખતરનાક ગુફામાં ફસાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ગુફામાં પાણી ભરાઈ જતાં બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને આ લોકો ગત 20 મેથી અંદર જ કેદ છે. વિદેશી ગોતાખોરોની મદદથી ગુફામાંથી 5 લોકોને જીવતા શોધી કઢાયા છે, પરંતુ બાકીના 2 લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.ગુફામાં જીવતા મળેલા 5 લોકો બહાર નીકળવાના રસ્તાથી આશરે 300 મીટર દૂર એક સાંકડી જગ્યા પર આશરો લઈને બેઠા છે. ત્યાં હવા મળી રહી હોવાથી તેઓ અત્યાર સુધી બચી શક્યા છે, પરંતુ તેમને બહાર કાઢવાનું કામ અત્યંત મુશ્કેલ છે. ગુફામાં જવાનો રસ્તો ખૂબ જ સાંકડો અને ખતરનાક ઢોળાવવાળો છે, જ્યાં બચાવ ટીમે પેટે ઘસડાઈને આગળ વધવું પડે છે. કેટલીક જગ્યાએ તો રસ્તો માત્ર 60 સેન્ટીમીટર જેટલો જ પહોળો છે અને અંદર લપસણા પથ્થરો તેમજ અંદર 4-5 મીટર ઊંડી ખીણ હોવાના કારણે આ રેસ્ક્યુ ઓપરેશન ભારે જોખમી બની ગયું છે.આ રેસ્ક્યુ ઓપરેશન કેટલું ગંભીર અને મુશ્કેલ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ મિશનમાં વિદેશી એક્સપર્ટ્સ પણ જોડાયા છે. આ ટીમમાં ફિનલેન્ડના એવા બે અનુભવી ગોતાખોરો (ડાઇવર્સ) સામેલ છે, જેમણે વર્ષ 2018માં થાઈલેન્ડની પૂરગ્રસ્ત ગુફામાંથી બાળકોની ફૂટબોલ ટીમને આબાદ બચાવી હતી.