ત્રીજા પક્ષની દખલગીરી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં  આવે :ભારતનો નેપાળને સ્પષ્ટ સંદેશ

copy image

copy image

સરહદ વિવાદ પર કોઈપણ ત્રીજા પક્ષ દ્વારા દખલગીરી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં  આવે તેવો ભારતે નેપાળને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. આ સંદેશ એવા સમયે આપવામાં આવ્યો છે, જ્યારે નેપાળના પીએમ બાલેન શાહ ભારત સાથેના લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ પર ચીન અને બ્રિટનના હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે. એક મીડિયા હેવાલ અનુસાર , વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે ભારતનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ભારતે નેપાળના વડાપ્રધાનનું નિવેદન અને આ મુદ્દે નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલ નિવેદન જોયું છે. ભારત અને નેપાળ વચ્ચેની આશરે 98 ટકા સરહદ પહેલાથી જ સીમાંકન કરવામાં આવી છે. જો કે, કેટલાક વિસ્તારોનો ઉકેલ લાવવાનો બાકી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગંડક નદીના બદલાતા પ્રવાહને કારણે કેટલાક વિસ્તારોમાં સરહદી સમસ્યાઓ હજુ પણ યથાવત્ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારત અને નેપાળ વચ્ચેના કોઈપણ દ્વિપક્ષીય મુદ્દામાં કોઈ તૃતીય પક્ષની ભૂમિકા નથી.. બંને દેશો આ મુદ્દાઓને ઓળખવા અને ઉકેલવા માટે આ વિસ્તારોના નકશા બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ભારત અને નેપાળ વચ્ચે સરહદ સંબંધિત તમામ મુદ્દાઓને ઉકેલવા માટે વિવિધ દ્વિપક્ષીય પદ્ધતિઓ પહેલાથી જ અસ્તિત્વમાં છે. આ પદ્ધતિઓ થકી બંને દેશો વાતચીત દ્વારા બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ લાવી રહ્યા છે.