શિકારપુરની સીમમાં આવેલી હોટેલમાંથી પોષડેડા તથા દારૂ સાથે એકની અટકાયત
copy image

સામખિયાળી-માળિયા ધોરીમાર્ગ શિકારપુરની સીમમાં આવેલી હોટેલમાં પોલીસે દરોડો પાડી રૂા. 29,985ના પોષડેડા તથા રૂા. 14,520ના અંગ્રેજી દારૂ સાથે હોટેલના સંચાલકને ઝડપી પાડયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર સામખિયાળી-માળિયા ધોરીમાર્ગ પર શિકારપુરની સીમમાં આવેલી ચૌધરી હાઇવે હોટેલમાં માદક પદાર્થ વેચાતો હોવાની પૂર્વ અને સચોટ બાતમીના આધારે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી. આ હોટેલમાં હાજર મૂળ બાડમેર રાજસ્થાનના યુવાનને ઝડપી પડાયો હતો. તેને સાથે રાખી હોટેલની તપાસ કરતાં લાકડાના ખાનામાંથી પોષડેડા અને પાઉડર મળી આવ્યા હતા તેમજ લાકડાના ઘોડામાંથી બિસ્કિટનાં બંડલ હટાવીને જોતાં પાછળથી દારૂના કવાર્ટરિયા મળી આવ્યા હતા. આ શખ્સ પાસેથી 1620 ગ્રામ પોષડેડા તથા 234 ગ્રામ પાઉડર એમ કુલ્લ રૂા. 29,985નો માદક પદાર્થ તેમજ ગ્લોબલ ગ્રીનના 180 મિ.લી.ના 132 કવાર્ટરિયા એમ કુલ્લ રૂા. 14,520નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ હોટેલ ઇસમના ભાઇએ ભાડે રાખેલ તેમજ માદક પદાર્થ અને દારૂ પણ તે લઇ આવી એક યુવાનને વેચવા આપી ગયો હતો. પકડાયેલો શખ્સ છેલ્લા બે મહિનાથી અહીં આ હોટેલ ચલાવતો હતો. હાથમાં ન આવેલા આરોપીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.