કંડલા પોર્ટથી ખારીરોહર સીમ સુધીમાં આવેલી અલગ અલગ ઓઇલ ટર્મીનલ તરફ આવતી ઓઇલ પાઇપ લાઇનો પૈકી એચપીસીએલની પાઇપલાઇનમાંથી ડિઝલ ચોરી થઇ રહી હોવાની બાતમીના આધારે બી-ડિવિઝન પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો જેમાં પોલીસને જોઇ આરોપીઓ મુદ્દામાલ છોડી નાસી ગયા હતા અને પોલીસે રૂ.1,01,840 ની કિંમતનો 1520 લીટર ડિઝલ ભરેલા 38 કેરબા જપ્ત કરી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ બાબતે પીઆઇ જે.પી.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કંડલા પોર્ટથી ખારીરોહર જતી આઇઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલ ટર્મીનલ સુધી જતી પાઇપલાઇનમાં ચોરી કરાઇ રહી હોવાની ફરીયાદો ધ્યાનમાં રાખી ટીમ વોચમાં હતી તે દરમીયાન બાતમી મળી હતી કે, ખારીરોહરની સીમમાં એચપીસીએલની પાઇપલાઇનમાંથી અમુક શખસો ચોરી કરી રહ્યા છે, આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડતાં પોલીસને જોઇ ખારીરોહર રહેતા ગઢા હનિફ સુલેમાન નિગામણા, ઇસ્માઇલ કાસુ બુચડ, અભલ બાવલા કોરેજા ઉર્ફે અભલ મસ્તાના, કાલી બાવલા કકલ ઉર્ફે પટેલ અને ગની સાલે કાતિયાર પોલીસને જોઇ મુદ્દામાલ મુકી નાસી ગયા હતા. પોલીસે રૂ.1,01,0840 ની કીંમતનો 1520 લીટરનો ડિઝલનો જથ્થો ભરેલા 30 લીટરની ક્ષમતા વાળા 38 કેરબા તેમજ આ ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલી હથોડી, લાકડાની ડટ્ટી, પ્લાસ્ટિકની નળી અને ખાલી કેરબા મળી કુલ રૂ.1,08,290 નો મુદ્દામાલ જપ્ત કરી નાસી ગયેલા આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.