કચ્છ જિલ્લામાં બંદરીય શહેર માંડવી ખાતેથી આજે રાજય ત્રાસવાદ વિરોધી દળની ટુકડીએ બે ઇસમને રૂા. એક કરોડની કિંમતના અંદાજિત એક કિલો બ્રાઉન સુગરના જથ્થા સાથે ઝડપી પાડતા જબ્બર સનસનાટી મચી ગઇ છે. બપોરે પકડાયેલા બન્ને યુવાનને ભુજ લાવી બાદમાં તેમને અમદાવાદ લઇ જવાના ચક્રો ગતિમાન કરાયા છે. બહાર આવેલી વિગતો અનુસાર માંડવીમાં શહેરથી અંદાજિત બે કિ.મી. દૂર વિન્ડફાર્મ તરીકે ઓળખાતા દરિયાકાંઠાના વિસ્તારમાંથી આજે બપોરે બાઇક ઉપર જઇ રહેલા નાશીરહુશેન ઉર્ફે રાજા અબ્દુલ્લસતાર સમેજા અને ઉમર કારા વાઘેર નામના બે યુવાનને આંતરીને એ.ટી.એસ. ટુકડીએ તેમને દબોચી લીધા હતા. આ બન્નેની તલાશી લેવાતા તેમની પાસેથી રૂા. એક કરોડની કિંમતનો બ્રાઉન સુગરનો એકાદ કિલો જથ્થો મળી આવ્યો હતો.’ રાષ્ટ્રની સુરક્ષાને સંલગ્ન હોય તેવા કોઇ મહત્વના પ્રકરણના અનુસંધાને રાજય ત્રાસવાદ વિરોધી દળની ટુકડી ગઇકાલે કચ્છમાં આવી પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. એ.ટી.એસ.ની આ ટુકડીએ તેનું કાર્ય ગોપનીય રીતે કરતાં બંદરીય નગરી માંડવીમાંથી આજે’ બપોરે બ્રાઉન સુગરના મામલામાં વિક્રમજનક કહી શકાય તેવી આ સફળતા મેળવી હતી.’ એ.ટી.એસ.ના સત્તાવાર સાધનો દ્વારા બે યુવાન ઇસમને એક કરોડના એકાદ કિલો બ્રાઉન સુગર સાથે પકડાયા હોવાની વાતની પુષ્ટિ કરી હતી. આ સાધનોએ તપાસના હિતમાં વધુ વિગતો હાલતુરત જાહેર કરવાની અસમર્થતા બતાવતાં મોડીરાત્રિ સુધી વધુ કેટલીક માહિતીની ઘોષણા કરાશે તેમ જણાવ્યું હતું. આજે બપોરે બાઇક ઉપર બ્રાઉન સુગરનો જથ્થો લઇને જતી વેળાએ દબોચાયેલા બન્ને યુવાન પૈકી નાશીરહુશેન ઉર્ફે રાજા સમેજા માંડવી શહેરનો રહેવાસી છે. જયારે પાંત્રીસેક વર્ષની વયનો ઉમર વાઘેર માંડવી તાલુકાના કાઠડા ગામનો રહેવાસી છે. આ બન્નેને પકડાયા બાદ તેમને ભુજ લઇ અવાયા હતા અને બાદમાં અમદાવાદ લઇ જવાની તૈયારીઓ આરંભાઇ છે.’ દરમ્યાન અમારા માંડવી સ્થિત પ્રતિનિધિએ આપેલી માહિતી મુજબ નાશીરહુશેન અને ઉમરને પકડાયા બાદ તેમને કોઇ ઉઠાવી ગયું હોવાની રજૂઆત સાથે કેટલાક લોકો માંડવીમાં સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યા હતા. પણ માંડવી પોલીસ પણ સમગ્ર ઓપરેશનથી અજાણ જોવા મળી હતી. આ પછી બન્નેને એ.ટી.એસ. બ્રાઉન સુગરના કેસમાં લઇ ગયાની વિગતો સપાટીએ આવી હતી.’ દરમ્યાન સ્થાનિક પોલીસ પ્રશાસન પાસેથી મળેલી માહિતી અનુસાર પકડાયેલો જથ્થો બ્રાઉન સુગર હોવાની પ્રબળ સંભાવના છે. આમ છતાં ખરેખરી વિગતો બહાર લાવવા માટે ફોરેન્સિક લેબોરેટરી તજજ્ઞોની મદદ પણ લેવાઇ રહી છે.’ ઓપરેશન માટે કચ્છ ધસી આવેલી એ.ટી.એસ.ની ટુકડી અગાઉ કચ્છમાં ફરજ બજાવી ચૂકેલા ઇન્સ્પેકટર વી.આર. મલ્હોત્રાની રાહબરીમાં આવી હોવાની વિગતો પણ જાણવા મળી છે. એ.ટી.એસ. દ્વારા બન્ને યુવાનની સર્વગ્રાહી અને ઉંડી પૂછતાછ શરૂ કરવામાં આવી છે. જેમાં તેમની પાસેથી આ જથ્થો કયાંથી આવ્યો અને તેઓ તેને કયાં લઇ જતા હતા તેના સહિતની કડીઓ મેળવવા માટેનો પ્રયાસ થઇ રહ્યો છે. આ પૂછતાછમાં સંડોવણી ધરાવનારા અન્ય માથાઓની માહિતી સપાટીએ આવવા સાથે આગામી કલાકોમાં કડાકાભડાકા સાથેની વિગતો ખૂલવાની સંભાવના જોવાઇ રહી છે. પકડાયેલા બન્ને આરોપી પૈકીનો કાઠડાનો ઉમર વાઘેર માંડવીના સાગરકાંઠે બોટોમાં મજૂરીનું અને બોટ ચલાવવાના કામ સાથે સંકળાયેલો છે. કાઠડામાં વાઘેર ફળિયામાં રહેનારા તેના પરિવારના સભ્યોની સંડોવણી મસ્જીદ ઉપર લાઉડ સ્પીકર વગાડવાના મામલામાં પણ સપાટીએ આવી હતી. તે તેંત્રીસેક વર્ષની વયનો છે. જયારે નાશીરહુશેન અંદાજે 29 વર્ષની વયનો છે. દરમ્યાન આ વચ્ચે મોડેથી સ્પષ્ટ થતી વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા ખાતે ત્યાંની પોલીસે પકડેલા એક આરોપીની પૂછતાછ દરમ્યાન કચ્છમાં માંડવી ખાતે બે યુવાન પાસે બ્રાઉન સુગરનો જથ્થો હોવાની અને આ જથ્થાના વેચાણ માટેની કાર્યવાહીમાં તેઓ પ્રવૃત હોવાની વિગતો જાણવા મળી હતી. આ પછી આ વિશે એ.ટી.એસ.ને જાણ કરાતા આ ઓપરેશનને અંજામ અપાયો હતો. પકડાયેલા બન્ને આરોપી પાસેથી કબ્જે કરાયેલી બાઇકના નંબર જીજે-12-બી.બી.- 4253 હોવાનું પણ બહાર આવ્યું છે. પકડાયેલું બ્રાઉન સુગર સમુદ્રના રસ્તે આવ્યાની સંભાવના પણ તપાસનીશો જોઇ રહ્યા છે.’