5 જૂને PM મોદી ગુજરાતના આંગણેસુરતથી ₹12,421 કરોડના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સુરતની મુલાકાતે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતને વિકાસની નવી ગતિ આપતા તેઓ કુલ ₹12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોની ભેટ આપશે.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજ ખુલ્લા મુકાશે
PM મોદીના હસ્તે ₹7689 કરોડના ખર્ચે તૈયાર થયેલા વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ VI અને VIIનું લોકાર્પણ થશે. 36 કિમી લાંબો કીમ-એના સેક્શન અને 27.50 કિમીનો ગણદેવાથી એના સેક્શન હવે જનતા માટે ખુલ્લા મુકાશે. 8 લેનના આ એક્સપ્રેસવે પર 70 અંડરપાસ, મેજર-માઇનર બ્રિજ અને 7 રેસ્ટ એરિયા બનાવાયા છે. આનાથી દિલ્હી-મુંબઈ વચ્ચે માલસામાનની અવરજવર ઝડપી બનશે અને લૉજિસ્ટિક્સ ખર્ચ ઘટશે.

ચાર મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
₹4732 કરોડના ખર્ચે NHAIના અન્ય 4 પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત થશે. NH-56 પર ધમાસીયા-બિટાડા અને નસારપોર-મલોથા સેક્શનને ફોર-લેન બનાવાશે. 107.67 કિમીના આ માર્ગથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત નર્મદા, તાપી, વલસાડના આદિવાસી વિસ્તારોની કનેક્ટિવિટી મજબૂત બનશે. મુસાફરીનો સમય 40 મિનિટ ઘટશે અને ઝડપ 75% વધશે.

હજીરામાં ₹149 કરોડના ફ્લાયઓવર-અંડરપાસ NH-53 પર હજીરા બંદર પાસે 6-લેન ફ્લાયઓવર અને વ્હીકલ અંડરપાસ બનશે. આનાથી હજીરા પોર્ટ અને ઔદ્યોગિક વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર સુગમ બનશે. સુરતના લોકોને ટ્રાફિક જામથી છુટકારો મળશે અને દરિયાઈ વેપારને વેગ મળશે.

આ તમામ પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાતની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને રોજગાર-ઉદ્યોગને નવી દિશા મળશે.