દિલ્હીની હોટલમાં વિકરાળ આગ: 21 લોકો જીવતા ભૂંજાયાં

copy image

copy image

દક્ષિણ દિલ્હીના માલવિય નગર વિસ્તારમાં એક ભીડભાડવાળી ગલીમાં ફાયર એનઓસી વગર ચાલતી એક હોટલમાં બુધવારે ભયાનક આગ ફાટી નીકળતાં લાગતાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા હતા, જેમાં 18 વિદેશીનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ કહ્યું હતું કે, માલવિય નગરના હૌઝ રાનીમાં ફ્લોરિશ સ્ટે બી એન્ડ બીમાં આગ સવારે 8.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને ઝડપથી પાંચ માળની સાંકડી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી, જેમાં બહાર નીકળવાનો રસ્તો  ફક્ત એક જ હતો. કાયમી ધોરણે સીલ કરેલી બારીઓ અને સેન્સર સંચાલિત મુખ્ય દરવાજો હતો, જેને લીધે વધુ લોકો માર્યા ગયા હતા.  મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું. અધિકારીઓના બટાવય અનુસાર ઓછામાં ઓછા 58 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં 21 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હોટેલ આસપાસના મહોલ્લાના યુવાનો-લોકોએ જીવના જોખમે અનેકને બચાવી લીધા હતા. ઉપરથી કૂદતા લોકો માટે નીચે ગાદલાં બીછાવવામાં આવ્યાં હતાં. મૃતકોમાં 10 ભારતીયોનો સમાવેશ થાય છે. શહેરમાં તાજેતરના વર્ષોમાં થયેલી સૌથી ભયાનક આગમાં મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે, ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે. ઘણા મૃતકો મધ્ય એશિયાઈ અને આફ્રિકન દેશોના છે. તેઓ થોડી જ દૂર મેક્સ હોસ્પિટલમાં દાખલ તેમના સંબંધીઓની સંભાળ રાખવા માટે હોટેલમાં રોકાયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોટેલને દિલ્હી સરકારની બેડ એન્ડ બ્રેકફાસ્ટ નીતિ હેઠળ ફક્ત છ રૂમની પરવાનગી હતી, પરંતુ તે 25 રૂમ ચલાવી રહી હતી. ભોંયરામાં પણ રૂમ બનાવવામાં આવ્યા હતા.અધિકારીઓએ કહ્યું હતું કે, છ-સાત વર્ષ પહેલાં સુધી આ ઇમારત ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ વન હતી. અધિકારીઓને જાણ કર્યા વિના વધારાના માળ પાછળથી બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત, સંપૂર્ણ બિલ્ડિંગ પ્લાન સબમિટ કરવામાં આવ્યો ન હતો. દિલ્હી પોલીસે બીએનએસની અન્ય સંબંધિત કલમો સહિત સદોષ હત્યાના આરોપો હેઠળ એફઆઈઆર દર્જ કરી છે. ઇમારતના માલિકની ઓળખ લવકેશ તરીકે કરવામાં આવી છે,  સૂત્રોએ ઉમેર્યું હતું કે લાઇસન્સ જય મિશ્રાના નામે જારી કરવામાં આવ્યું હતું અને હોટેલના માલિકની ઓળખ લોકેશ બજાજ તરીકે કરવામાં આવી છે, .   હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. બનાવ અંગે જવાબદારી  નક્કી કરવા ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ આગ લગાડવાની ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ માગ્યો હતો. વધુમાં અધિકારીઓને ચેતવણી આપી હતી કે, જો કોઈ ચૂક સામે આવશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. – આગથી બચવા બાળક સાથે મહિલા નીચે કૂદી હતી જેને પગમાં ફેક્ચર આવ્યું હતું.