ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના આઠ નમૂના લઈને પૃથક્કરણ

copy image

ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના આઠ નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ ઉપરાંત ઉનાળાની સિઝન હોવાથી દુકાનો અને લારીઓની તપાસ પણ કરાઇ રહી છે અને અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવી રહ્યો છે.મળતી માહિતી મુજબ  ફૂડ વિભાગે અલગ અલગ વિસ્તારોમાંથી ઘીના બે, ગાયનું દૂધ તથા ભેંસનું દૂધ, કેરીનો રસ, દહીં, તેલ અને લોટ સહિત કુલ આઠ નમૂના લીધા હતા તેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, તા. 1 એપ્રિલથી લઈને 31 મે દરમિયાન બે મહિનામાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના કુલ 27 નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દીધા છે, પરંતુ હજુ સુધી કોઈ  રિપોર્ટ આવ્યા નથી. ગત વર્ષે તંત્ર દ્વારા 100થી વધુ નમુના લેવામાં આવ્યા હતા તે પૈકી લગભગ 40ની આસપાસ નમૂનાનો રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી અને જેના રિપોર્ટ આવ્યા હતા, તેમાં ચાર નમૂના ફેલ આવ્યા હતા. તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ નમૂના લીધા પછી રિપોર્ટ ઝડપથી આવતા નથી, જેના કારણે જલ્દીથી કાર્યવાહી પણ થઈ શકતી નથી. અહીં મહાનગરપાલિકા વિસ્તારમાં ખાદ્ય પદાર્થના ચાકિંગ માટેની લેબોરેટરી આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ દિશામાં કોઈ પગલાં ભરાયાં નથી. મહાનગરપાલિકા ખુદ તેમાં આગળ વધે તેવી માંગ પણ ઊઠી છે.