ભચાઉ તાલુકામાં જાતિ તથા આવકના દાખલા મેળવવા માટે અરજદારોને ભારે હાલાકીનો સામનો

ભચાઉ તાલુકામાં જાતિ તથા આવકના દાખલા મેળવવા માટે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંકલનના અભાવે અરજદારોને ભચાઉ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી વચ્ચે વારંવાર ધક્કા ખાવા પડે છે. અંદાજે બે કિલોમીટરનું અંતર હોવા છતાં જરૂરી પ્રક્રિયા માટે અરજદારે ચાર-ચાર વખત બંને કચેરીઓ વચ્ચે ચક્કર લગાવવા પડે છે, જેના કારણે સમય અને નાણાંનો બગાડ થાય છે. વિપક્ષી નેતા મનજીભાઈ રાઠોડે જણાવ્યું હતું કે સરકારની અયોગ્ય અને બેવડી નીતિના કારણે એક તરફ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ કર્મચારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમણે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક અસરથી સુમેળભરી વ્યવસ્થા ઉભી કરી લોકોને અનાવશ્યક ધક્કામુકીમાંથી મુક્તિ આપવા માંગ કરી છે.