ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગરમાં ભંગારના વાડામાં આગથી અફરાતફરી, ટાયરના બ્લાસ્ટથી સમગ્ર વિસ્તાર ધ્રૂજ્યો

ગાંધીધામના નાઈન સી વિસ્તાર સ્થિત ટ્રાન્સપોર્ટ નગરના પ્લોટ નંબર 105 અને 106 ખાતે આવેલા ભંગારના વાડામાં ગત રાત્રે અંદાજે 11 વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગ દરમિયાન ત્યાં પાર્ક કરાયેલા ટ્રકોના ટાયરોમાં એક પછી એક જોરદાર બ્લાસ્ટ થતા ધડાકાના અવાજો દૂર સુધી સંભળાયા હતા. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને આસપાસના લોકો સલામત સ્થળે ખસી ગયા હતા. આગની ઝપેટમાં અંદાજે 8થી 10 ટ્રકો આવી જતા તે બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં ગાંધીધામ મહાનગરપાલિકા, ડીપીટી, ટિમ્બર તથા વેલસ્પન સહિતના ફાયર વિભાગોના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ સવારના 5 વાગ્યા સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર, ગાંધીધામ મામલતદાર, મનપાના કોર્પોરેટરો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

આ આગની ઘટનામાં ભારે આર્થિક નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે 6 વાગ્યા સુધી પણ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ન હતી અને ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.