વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજના ઐતિહાસિક કચ્છ મ્યુઝિયમમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ભુજના ઐતિહાસિક કચ્છ મ્યુઝિયમ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પુરાતત્વ વિભાગના અધિકારીઓ, મ્યુઝિયમના નિષ્ણાતો અને તમામ સ્ટાફે સાથે મળીને મ્યુઝિયમ પરિસરને વધુ લીલુંછમ બનાવવાનો સંકલ્પ લીધો હતો.
પુરાતત્વ વિભાગના સર્કલ અધિક્ષક ડો. આદિત્ય સિંહ અને કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડો. મહેન્દ્ર સિંહ સુરેલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ બંને અધિકારીઓએ સાથે મળીને પહેલો છોડ વાવીને આ સુંદર અભિયાનની શરૂઆત કરી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા શ્રી જયપાલસિંહ જાડેજા અને શ્રી ધવલ દવેએ પર્યાવરણ બચાવવા માટે આપણા સાંસ્કૃતિક વારસા અને મ્યુઝિયમની જવાબદારી વિશે લોકોને સરળ સમજૂતી આપી હતી. આ વૃક્ષારોપણને સફળ બનાવવા માટે મ્યુઝિયમના સ્ટાફ સભ્ય ભગવાનભાઈ, વિનોદભાઈ સહિત તમામે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને છાંયડો આપતા તેમજ ફળ આપતા વિવિધ વૃક્ષો વાવ્યા હતા.
ડો. મહેન્દ્ર સિંહ સુરેલા અને ડો. આદિત્ય સિંહે પર્યાવરણ દિન નિમિત્તે સૌને સંદેશ આપતા જણાવ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. કચ્છ મ્યુઝિયમે એવું નક્કી કર્યું છે કે આવનારા સમયમાં પણ સતત વૃક્ષારોપણ, પાણી બચાવવા અને પ્રકૃતિ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટેના આવા કાર્યક્રમો યોજાતા રહેશે. કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ સ્ટાફ સભ્યોએ પોતે વાવેલા છોડની નિયમિત કાળજી લેવા અને તે વૃક્ષ મોટું બને ત્યાં સુધી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.