મોંઘવારી વધવાની ભીતિ, લોન મોંઘી નહીં થાય

copy image

copy image

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ નવાં નાણાંકીય વર્ષની બીજી બેઠકમાં રેપોદરમાં કોઇ જ બદલાવ નથી કર્યો .મળતી માહિતી મુજબ વ્યાજદર 5.25 ટકા પર સ્થિર રહેતાં લોન મોંઘી નહીં થાય. જો કે, આવનાર સમયમાં મોંઘવારીમાં વધારો થશે તેવો સામાન્ય માણસનો ઉચાટ વધારતો વર્તારો પણ કેન્દ્રીય બેન્ક તરફથી શુક્રવારે અપાયો હતો. બીજીબાજુ , વિદેશી રોકાણકારોને પાછા ભારત તરફ આકર્ષવા માટે લોંગટર્મ કેપિટલ ગેઈનમાં છૂટ આપી દેવાનો નિર્ણય લેવાયો હતો. રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ આરબીઆઇની આર્થિકનીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા ફેંસલાની જાણકારી આપી હતી. ભારતીય રિઝર્વ બેન્કે 2027માં મોંઘવારીનું અનુમાન 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કરી નાખ્યું છે. આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે, છૂટક મોંઘવારી અત્યારે અલબત્ત લક્ષ્યની મર્યાદાની અંદર છે, પરંતુ વૈશ્વિક તાણનાં કારણે ઇંધણ અને ઊર્જાની વધતી કિંમતો આગળ જતાં છૂટક બજાર અને સામાન્ય જનતાનાં ગજવાં પર બોજ વધારી શકે છે. નૈઋઍત્ય ચોમાસું નબળું રહેવાની એટલે કે, વરસાદ ઓછો થવાની આગાહી પર મલ્હોત્રાએ ચિંતા વ્યક્ત કરી હતી. નબળાં ચોમાસાંની સીધી અસર ખેતી પર પડી શકે છે. જો કે, પાકવૈવિધ્ય જેવી પહેલો આ અસરને ઓછી કરી શકે છે.બીજી તરફ, મધ્ય-પૂર્વમાં જારી તાણ અને પુરવઠા સાંકળમાં અવરોધોને ધ્યાને લેતાં રિઝર્વ બેન્કે આર્થિક વિકાસદરનું અનુમાન પણ ઘટાડી નાખ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે જીડીપીનું અનુમાન કેન્દ્રીય બેન્કે અગાઉના 6.9 ટકામાંથી ઘટાડીને 6.6 ટકા કરી દીધું હતું. અર્થવ્યવસ્થા માટે પડકારરૂપ ઘણી શકાય, તેવી વિકટ પસ્થિતિ વચ્ચે પણ આશ્વાસન રૂપ હકીકત એ છે કે, ઘરેલુ આર્થિક ગતિવિધિઓ અત્યારે પણ મજબૂત બનેલી છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્રનું પ્રદર્શન સારું છે. વિદેશી મૂડીરોકાણ ખેંચવા માટે નવા ઉપાય રૂપે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ હેઠળ ફુલી એક્સેસિબલ રેટ નોંધતા એ વધારી દેવાયો છે. 15, 30 અને 40 વર્ષની અવધિવાળા નવા સરકારી બોન્ડ્સ પણ સામેલ કરાયા છે.