વૈશ્વિક સંકટ છતાં ભારતીય અર્થતંત્ર શક્તિમાન
copy image

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત છે.સુત્રોમાંથી મળતી માહિતી મુજબનાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં અનુમાનથી સારા જીડીપી વિકાસદરના આંકડા સામે આવ્યા છે. સાંખ્યિકી મંત્રાલય મુજબ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો વાસ્તવિક વિકાસ દર અગાઉનાં વર્ષના 7.1 ટકાથી વધીને 7.7 ટકા નોંધાયો છે. જ્યારે ચોથા ત્રિમાસિક ગાળા માટે વિકાસ દર 7.8 ટકા છે. તેલના ભાવોમાં વધારા પૂર્વે મજબૂત ઘરેલુ માંગને પગલે અર્થવ્યવસ્થા સુધરી હોવાનું સમજાય છે. ભાજપ પ્રમુખ નીતિન નવીનના જણાવ્યા અનુસાર, જીડીપી ડેટા હાલમાં આર્થિક સુનામીનું નિવેદન આપનારા રાહુલ ગાંધી માટે તમાચા સમાન છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ મિનિસ્ટ્રી મુજબ માર્ચમાં પુરા થયેલા પુરા નાણાકીય વર્ષ માટે સરકારને આશા છે કે, અર્થવ્યવસ્થા 7.7 ટકાના દરે વધી છે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 7.6 ટકાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું. ભારતના જીડીપી દરના આંકડા બતાવે છે કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને તમામ આર્થિક પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત બનેલી છે. દેશના નોમિનલ જીડીપીમાં 8.9 ટકાની વૃદ્ધિ રહી છે. કૃષિ અને મત્સ્યઉદ્યોગ જેવાં પ્રાથમિક સેક્ટરમાં 3.2 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. સાથે જ સેકન્ડરી અને ટર્શિયરી સેક્ટરે પણ અર્થતંત્રને ટેકો આપ્યો છે, જેમાં ક્રમશ: 8.8 ટકા અને 9.3 ટકાની વૃદ્ધિ રહી છે. નાણાકીય વર્ષ 2025-26માં જીડીપી 323.12 લાખ કરોડ રૂપિયાએ પહોંચી છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25માં સંશોધિત જીડીપી 299.89 લાખ કરોડે હતી. 2025-26મા મેન્યુફેક્ચરિંગ, વ્યાપાર, સમારકામ, હોટેલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગ તેમજ સ્ટોરેજ સંબંધિત સેવાઓ અને ફાયનાન્સિયલ, રિયલ એસ્ટેટ તેમજ પ્રોફેશનલ સેવા સેક્ટરમાં બેવડાં અંગની વૃદ્ધિ નોંધાઈ છે. આ સાથે મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, નવા વર્ષ અને ત્રિમાસિક જીડીપી અનુમાન 27 ફેબ્રુઆરી 2026ના જાહેર કરવામાં આવેલી નવી સિરીઝના આધારે તૈયાર થયા છે, જેમાં બેઝ વર્ષને બદલીને 2022-23 કરવામાં આવ્યું છે