રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નખત્રાણા તાલુકાના પાલનપુર ગામની ૪ માસની આર્યાને મળ્યું નવજીવન

સરકારશ્રીનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) બાળકો માટે વરદાનરૂપ છે. તાજતેરમાં કચ્છના નખત્રાણા તાલુકાની RBSK ટીમ દ્વારા આંગણવાડીની નિયમિત મુલાકાત દરમિયાન પાલનપુર ગામની બાળકી આર્યા મીત પટેલને જન્મજાત હૃદયની ખામી (Congenital Heart Disease – CHD) હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
બાળકીની વધુ તપાસ માટે વાલીઓને સમજાવી 2D Echo કરાવવામાં આવ્યું, જેમાં Multiple VSD (Ventricular Septal Defect) હોવાનું નિદાન થયું. RBSK ટીમે તાત્કાલિક જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરીને બાળકીનો કેસ ઉચ્ચ કક્ષાની સારવાર માટે મોકલ્યો. ત્યારબાદ તા. 21/04/2026 ના રોજ સારવારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને તા. 16/05/2026 ના રોજ અમદાવાદ સ્થિત યુએન મહેતા હોસ્પિટલ ખાતે સફળ હૃદય સર્જરી કરવામાં આવી.
સર્જરી બાદ બાળકીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને હાલમાં તે સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં RBSK ટીમ, PHC નિરોણા, તાલુકા આરોગ્ય તંત્ર અને વાલીઓના સહકારથી બાળકીને સમયસર જીવનદાયી સારવાર મળી શકી. આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, RCHO કચ્છ તથા તાલુકા આરોગ્ય અધિકારી (THO) નખત્રાણાશ્રીના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. તેમના સતત માર્ગદર્શન, મોનિટરિંગ અને આરોગ્ય વિભાગના સંકલિત પ્રયાસોના પરિણામે બાળકીને સમયસર નિદાન, રેફરલ અને ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ બની શકી.
આ સફળતા એ સાબિત કરે છે કે RBSK કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતી નિયમિત સ્ક્રીનિંગ અને સમયસર રેફરલ દ્વારા ગંભીર જન્મજાત ખામીઓ ધરાવતા બાળકોને પણ નવી જિંદગી આપી શકાય છે. “RBSK ટીમની સતર્કતા, વાલીઓના સહકાર તથા આરોગ્ય વિભાગના સમયસરના પ્રયાસોથી એક બાળકીનું જીવન સુરક્ષિત બન્યું અને તેને નવી જિંદગી મળી.
આ સફળતા આરોગ્ય વિભાગની પ્રતિબદ્ધતા અને સમયસરની કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે.”
આ કામગીરીમાં સહભાગી ડૉ. રાધિકા ચૌહાણ, ડૉ.અજય આર.ત્રિવેદી, જયશ્રીબેન લાબડિયા, ડૉ. રાહુલસિંહ ચૌહાણ, હર્ષાબેન જોષીએ જહેમત ઉઠાવી હતી.