સરકારની ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલ : નાગરિક સેવાઓ હવે બની ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’

જરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ‘ન્યૂનતમ સરકાર, મહત્તમ શાસન’ના મંત્રને આત્મસાત કરી ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’માં વૃદ્ધિ કરવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યના વહીવટી તંત્રને વધુ પારદર્શક, ગતિશીલ અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉમદા હેતુ સાથે ‘ડિજિટલ ક્રાંતિ’ દ્વારા તમામ સરકારી સેવાઓને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ બનાવીને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. ‘નાગરિક દેવો ભવ’ની ભાવના સાથે રાજ્યની જનકલ્યાણકારી સેવાઓને આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવી વહીવટી સરળતાના એક નવા યુગનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવી રહ્યો છે.
‘Top-20’ સેવાઓ હવે આંગળીના ટેરવે રાજ્ય સરકારે ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલ અન્વયે નાગરિકોની રોજબરોજની જરૂરિયાતોને સ્પર્શતી ૦૫ વિવિધ વિભાગોની ‘Top-20’ હાઈ-વોલ્યુમ સેવાઓને પ્રાથમિકતાના ધોરણે digitalgujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન ઉપલબ્ધ કરાવી છે.
પોર્ટલ પર ઉપલબ્ધ મુખ્ય સેવાઓની યાદી:
- આવકનો દાખલો (ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે)
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) નું પ્રમાણપત્ર
- નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ગુજરાત સરકાર અને ભારત સરકાર)
- આર્થિક રીતે નબળા વર્ગો (EWS) નું પ્રમાણપત્ર (આવક સાથે)
- જાતિ પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ)
- રેશનકાર્ડ સેવાઓ: નવું રેશનકાર્ડ, નામ ઉમેરવું, કમી કરવું, સુધારા કરવા અને અલગ રેશનકાર્ડ મેળવવું
- અન્ય સેવાઓ: સોગંદનામું અને નકલ મેળવવી
આધાર પ્રમાણીકરણ: પેપરલેસ વહીવટ તરફ એક મક્કમ ડગલું નાગરિકોની સુવિધા અને વહીવટમાં સચોટતા લાવવા માટે આ સેવાઓમાં ‘આધાર પ્રમાણીકરણ’ની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. એકવાર આધાર સફળતાપૂર્વક વેરિફાય થયા પછી, અરજદારે ઓળખ કે રહેઠાણના પુરાવા માટે વારંવાર અન્ય દસ્તાવેજો આપવાની જરૂર રહેશે નહીં, જેનાથી સમયની મોટી બચત થશે. આ લિંકિંગથી યોજનાઓમાં થતું ડુપ્લિકેશન અટકાવી શકાશે, જેથી માત્ર પાત્રતા ધરાવતા સાચા લાભાર્થીઓને જ લાભ મળે તે સુનિશ્ચિત થશે. આ પ્રમાણીકરણ માટે OTP અથવા બાયોમેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે.
સરકાર માટે નાગરિકોની પ્રાઇવસી અને ડેટા સુરક્ષા સર્વોપરી છે. આધાર પ્રમાણીકરણ માટે અરજદારની પૂર્વ સંમતિ લેવી અનિવાર્ય છે. સુરક્ષાના હેતુથી સિસ્ટમમાં ક્યાંય પણ સંપૂર્ણ આધાર નંબર દર્શાવવામાં આવતો નથી, માત્ર છેલ્લા ૪ આંકડા જ જોઈ શકાય છે. આ તમામ પ્રક્રિયામાં UIDAI ની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
સરકારનો અભિગમ માનવીય અને સર્વસમાવેશી છે. જો કોઈ ટેક્નિકલ કારણસર આધાર પ્રમાણીકરણ નિષ્ફળ જાય અથવા કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ ન હોય, તો પણ તેમને સેવાથી વંચિત રાખવામાં આવતા નથી. આવા કિસ્સાઓમાં અન્ય વૈકલ્પિક ઓળખ પુરાવાઓ દ્વારા ખરાઈ કરીને સેવા પૂરી પાડવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે.
પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો?
૧. નોંધણી અને લૉગિન: પોર્ટલ પર સૌ પ્રથમ ‘નોંધણી (Register)’ બટન પર ક્લિક કરી મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી દ્વારા એકાઉન્ટ બનાવવાનું રહેશે. ત્યારબાદ, મોબાઈલ નંબર/ઈ-મેઈલ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરી શકાય છે. લૉગિન થયા બાદ ‘મારી પ્રોફાઇલ’ વિભાગમાં જઈને પોતાની વિગતો અને ફોટો અપડેટ કરવો જરૂરી છે, જેથી આ વિગતો અરજી ફોર્મમાં આપમેળે ભરાઈ જશે.
અરજદારે ‘નવી સેવાની વિનંતી’ પર ક્લિક કરી જરૂરી સેવા પસંદ કરવાની રહેશે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા માટે ડિજિટલ લોકર (DigiLocker) નો સીધો ઉપયોગ કરી શકાશે. અરજી સબમિટ કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા નિર્ધારિત ફીની ચૂકવણી કરવાની રહેશે. અરજદાર પોતાની અરજીની સ્થિતિ પોર્ટલ પર લૉગિન કરીને જાણી શકે છે અને સેવા પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ પણ કરી શકે છે.
આમ, રાજ્યના પ્રત્યેક નાગરિકને સરકારી યોજનાઓના લાભ સત્વરે પૂરા પાડવા એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. ત્યારે ડિજિટલ ગુજરાત પોર્ટલ એ ‘ન્યૂ ઇન્ડિયા’ ના વિઝનને સાકાર કરતું એક ટેક્નિકલ પ્લેટફોર્મ હોવાની સાથે-સાથે નાગરિકોના સશક્તિકરણનું પણ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. વહીવટમાં ચોકસાઈ, વિશ્વસનીયતા અને ગતિશીલતા લાવવાના આ પ્રયાસોથી ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિકસિત ગુજરાત’ ના સંકલ્પને વધુ બળ મળી રહ્યું છે. વધુ માહિતી માટે નાગરિકો ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ઉપર સંપર્ક કરી શકે છે.