કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતરમંતર પર પાંચ કલાક સુધી કર્યું પ્રદર્શન

copy image

copy image

નીટ પેપર લીક મામલે કોકરોચ જનતા પાર્ટીએ શનિવારે દિલ્હીના જંતરમંતર પર પાંચ કલાક સુધી પ્રદર્શન કર્યું હતું. પાર્ટી સ્થાપક અભિજિત દીપકેએ ચેતવણી આપી હતી કે, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે નહીંતર આવતા શનિવારે ફરી જંતરમંતર પર આંદોલન છેડાશે અને અમારી લડતને દેશભરમાં પણ લઈ જવાશે તથા અનેક શહેરોમાં આંદોલન કરાશે. મળતી માહિતી મુજબ આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આપ યુવાનોની માંગને સમર્થન આપે છે. આ આંદોલન યુવાઓની નિરાશાની અભિવ્યક્તિ છે. બીજીતરફ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીને કહ્યું હતું કે, અમુક લોકો વિદેશમાં બેસીને એવું વિચારી લે છે કે, અમે ભારતના યુવાઓને દિશા આપશું ભારતના યુવાઓ કોઈની કટપૂતળી નહીં બને. અભિજિત શનિવારે સવારે જ અમેરિકાથી દિલ્હી પરત ફર્યા હતા. એરપોર્ટથી સીધા જંતરમંતર પહોંચ્યા હતા, જંતરમંતર પર સીજેપીનાં સમર્થનમાં હજારો યુવાઓ ઊમટી પડયા હતા. સોનમ વાંગચૂકે પણ મંચ પર આવી પ્રદર્શનને સમર્થન જાહેર કર્યું હતું. અભિજિતે કહ્યું હતું કે, હવે આ વિરોધ પ્રદર્શન કેન્દ્રીય શિક્ષામંત્રી રાજીનામું ન આપે, ત્યાં સુધી ચાલશે.  અભિજિતે આગળ સરકાર ઉપર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, માગણીઓ પૂરી કરવાનાં બદલે સીજેપી સંગઠનની સોશિયલ મીડિયા ગતિવિધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શિક્ષાપ્રધાનનાં રાજીનામાની માગણીને એક માસ થઈ ગયો છે, પણ આ લોકો એટલા બેશરમ છે કે, કાર્યવાહી કરવાના બદલે અન્ય કામોમાં લાગી ગયા છે. અમારાં એકાઉન્ટ હેક કરાવવાથી માંડીને પોસ્ટ ડિલીટ કરાવવા ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. અમારાં એકાઉન્ટ કે પોસ્ટ ભલે ડિલીટ થાય, પણ અમને ખતમ કરી શકાશે નહીં.  જંતરમંતર ખાતે આ પ્રદર્શનમાં શાળા-કોલેજોના છાત્રો સાથે મોટી સંખ્યામાં યુવા વ્યવસાયિકો પણ પહોંચ્યા હતા. અનેક દેખાવકારોએ કોકરોચનાં માસ્ક પહેરેલાં હતાં. કેટલાક લોકોના હાથમાં ફૂલ અને તિરંગા પણ હતા. દેખાવકારોએ બુલંદ અવાજે ધમેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે અને `મેક ઈન ઈન્ડિયા નહીં, લીક ઈન ઈન્ડિયા’ જેવી નારાબાજી પણ કરી હતી.