અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધની ભીતિ

copy image

copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વાર યુદ્ધ નો દોર  શરૂ થઈ ચૂક્યો છે. મળતી માહિતી મુજબ અમેરિકી  સેનાએ ઈરાનના મહત્ત્વના કેશમ ટાપુ પર ઈરાનની રડાર સિસ્ટમ પર હુમલા કર્યા હતા, તો ઈરાને કુવૈત અને બહેરીન પર સાત બેલેસ્ટિક મિસાઈલ દાગી હતી. દરમ્યાન, પોતે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખોમેનીને મળવા માટે તૈયાર હોવાનાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના  નિવેદન અંગે કટાક્ષ કરતાં ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે, બધાએ વાસ્તવિક દુનિયામાં જીવવું અને વિચારવું જોઈએ. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના બતાવ્યા મુજબ તેણે પહેલા હોર્મુઝની ખાડીમાં ઈરાનના ચાર એટેક ડ્રોન મારી ફગાવ્યા હતા અને પછી વધુ હુમલા રોકવા માટે ગોરુક અને કેશમમાં ઈરાનની રડાર સિસ્ટમને નિશાન બનાવવામાં આવી હતી. બીજી તરફ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડએ કહ્યું હતું કે, તેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે દુશ્મન દેશના મથકો પર મિસાઈલ હુમલા કર્યા હતા. અમેરિકાએ જણાવ્યું હતું કે, ઈરાને કુવૈત અને બહેરીન તરફ સાત બેલેસ્ટિક મિસાઈલ તાકી હતી. જે પૈકી છને તો હવામાં જ રોકાઈ હતી અને સાતમી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી. ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે,  અમેરિકી હુમલા બાદ ઈરાનની મિસાઈલ ક્ષમતા સાવ ઓછી થઈ ગઈ છે અને તેની પાસે 22થી 23 ટકા મિસાઈલ જ બચી છે.  જો કે, અમેરિકી નિષ્ણાતોને ટાંકીને બતાવ્યું હતું કે ઈરાને પોતાની 30 મિસાઈલ સાઈટ ફરી ચાલુ કરી દીધી છે. તેની પાસે હજી પણ 70 ટકા મિસાઈલનો ભંડાર છે.  ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એક વાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતાં તનાવ ફેલાયો છે અને ફરી ક્રૂડતેલના ભાવ વધવાની ભીતિ છે.