અદાણી ફાઉને ઝરપરા ગામને આપ્યું આધુનિક વિકાસનું નવું સ્વરૂપઅત્યાધુનિક ગૌશાળા, શૈક્ષણિક સંકુલ અને સ્પોર્ટ્સ ક્લબનું લોકાર્પણ

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં અત્યાધુનિક ગૌશાળા, આઈ શ્રી સોનલ સરસ્વતી વિદ્યામંદિરનું આધુનિક શૈક્ષણિક સંકુલ અને સ્પોર્ટ્સ ક્લબ (કબડ્ડી શેડ)નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી રક્ષિત શાહ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અદાણી પોર્ટ્સ, શ્રી ભરતભાઈ મોદી, આઈ શ્રી લક્ષ્મી માતાજી, આઈ શ્રી પરમા માતાજી, ગિરીશ આપા સહિત અદાણી ફાઉન્ડેશનના સ્ટાફ અને ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામ્ય વિકાસનું ઉત્તમ ઉદાહરણ આપતા આ પ્રોગ્રામ હેઠળ અદાણી ફાઉન્ડેશન કચ્છ જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, સ્વચ્છતા અને પશુપાલન જેવા અનેક ક્ષેત્રોમાં સતત કાર્યરત છે. ઝરપરા ગામમાં કરવામાં આવેલા આ વિકાસ કાર્યો તેના આ સતત પ્રયાસોનું પરિણામ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામની જૂની ગૌશાળાનું સંપૂર્ણ પુનઃનિર્માણ કરી અત્યાધુનિક ગૌશાળા તૈયાર કરવામાં આવી છે. હાલમાં અહીં ૭૦૦ ગાયોની સંભાળ લેવામાં આવી રહી છે અને ભવિષ્યમાં ૧,૫૦૦થી વધુ ગાયોને આશ્રય આપવાની ક્ષમતા ધરાવે છે. ગૌશાળામાં શુદ્ધ પીવાના પાણી, વિશાળ અને સ્વચ્છ આવાસ તેમજ આધુનિક પશુપાલન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશન એક મુખ્ય દાતા તરીકે આઈ શ્રી સોનલ સરસ્વતી વિદ્યામંદિરને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. શાળામાં ૧૪ વિશાળ વર્ગખંડો, સુસજ્જ હોલ અને અન્ય જરૂરી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્તમાનમાં ૧૮૦થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકશે. ઉપરાંત યુવાનોની પ્રતિભાને વિકસાવવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા અદ્યતન સ્પોર્ટ્સ ક્લબ અને કબડ્ડી શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સુવિધાથી ઝરપરા તેમજ આસપાસના ગામોના યુવાનોને રમતગમતની શ્રેષ્ઠ તાલીમ મળી શકશે અને તેઓ તાલુકા, જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દેખાડી શકશે આ પ્રસંગે શ્રી રક્ષિત શાહે જણાવ્યું કે, “ઝરપરા ગામને વિકાસનું આદર્શ મોડેલ બનાવવાનો અમારો સંકલ્પ છે. વિદ્યાર્થીઓને અપીલ છે કે એટલું ભણે કે અહી ની જ કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર સ્થાન પામે, ભવિષ્યમાં દેશ-વિદેશના લોકો ઉપરાંત આ ગામની વિકાસયાત્રા જોવા આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. યુવાનોને વિશેષ અપીલ છે કે તેઓ રમતગમત ક્ષેત્રે મહેનત કરીને ઝરપરા અને કચ્છનું નામ રોશન કરે.” વધુમાં તેઓએ જણાવ્યું હતું કે “સમાજની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલા વિકાસ કાર્યો જ લાંબા ગાળે અસરકારક સાબિત થાય છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા અમે ભવિષ્યની પેઢી માટે સશક્ત, આત્મનિર્ભર અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ.”અદાણી ફાઉન્ડેશન દ્વારા ઝરપરા ગામમાં કરવામાં આવેલા આ વિકાસ કાર્યો ગૌસેવા, ગુણવત્તાસભર શિક્ષણ અને યુવા વિકાસનાક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને ગામને પ્રગતિના નવા શિખરો તરફ લઈ જશે.