સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્વચ્છ ગામના સંકલ્પને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો

કચ્છ જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન સપ્તાહ અંતર્ગત આજરોજ ગ્રામ પંચાયતો દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્વચ્છ ગામના સંકલ્પને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા પંચાયતના સહયોગથી સમગ્ર કચ્છ જિલ્લામાં સ્વચ્છતા અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
કણખોઇ, મીઢીંયારી, રવમોટી, માથક, નરા, મસ્કા સહિતના કચ્છના તમામ તાલુકાના ગામોમાં રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચાર કરી ગ્રામજનોને પોતાના ઘર, શેરી, ગામ તથા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કર્યા હતા. સ્વચ્છતા જાળવવાના સંકલ્પ સાથે ગ્રામજનોને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને પોતાના ગામને સ્વચ્છ, સુંદર તથા સ્વસ્થ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. સ્વચ્છતા જાગૃતિ રેલી ગામોના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગેના સંદેશાઓ સાથે ગ્રામજનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. રેલી દરમિયાન “સ્વચ્છતા અપનાવો, રોગોને દૂર ભગાડો”, “મારો કચરો મારી જવાબદારી” તેમજ “સ્વચ્છ ગામ-સમૃદ્ધ ગામ” જેવા સૂત્રોના ઉચ્ચારણ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો અને ગામોને સ્વચ્છ, હરિયાળા તથા આરોગ્યપ્રદ બનાવવાનો હતો. આ અભિયાનને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વયંસેવકો અને ગ્રામજનો દ્વારા સક્રિય સહકાર આપવામાં આવ્યો હતો. રેલીમાં પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો, કર્મયોગીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.