દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહી પોષણ-દેશ રોશન’ આહ્વાનને ચરિતાર્થ કરવા સાથે ૨૦૨૨ સુધીમાં સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા આજે ગાંધીધામ ખાતે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે સુપોષણ ચિંતન સમારોહને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ગાંધીધામના પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ ખાતે આજે સંકલિત બાળ વિકાસ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પોષણ કર્મયોગીઓમાં સુપોષણ અંગે સંવેદના કેળવવા ‘સુપોષણ ચિંતન સમારોહ’નું આયોજન કરાયું હતું.કાર્યક્રમનો દીપ પ્રગટાવી ખુલ્લો મૂકતાં સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, સામાન્ય માણસ પણ આજે મોબાઇલનો ઉપયોગ કરતો થયો છે ત્યારે આંગણવાડીમાં કામ કરનારી બહેનોને રાજય સરકાર દ્વારા મોબાઇલ એપથી જોડીને બાળકોના પોષણ સ્તરની સુધારણા અંતર્ગત રેડઝોનમાં આવતા અતિ કુપોષિત અને યલોઝોનમાં આવતા મધ્યમ કુપોષિત બાળકોનું મોનીટરીંગ કરી શકાશે.આ પ્રસંગે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર ઉપરાંત જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન પાર્વતીબેન મોતા સહિત જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીના હસ્તે બાળકોના પોષણ સ્તર સુધારણા રજિસ્ટરનું વિમોચન કરાયું હતું.વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન આંગણવાડી ક્ષેત્રે સારી કામગીરી કરનારી ૧૮ આંગણવાડી વર્કર અને ૧૫ તેડાગર(હેલ્પર) બહેનોનું માતા યશોદા એવોર્ડથી સન્માન કરાયું હતું. સતત સેવારત રહેતી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સાડી ગણવેશનું પણ વિતરણ કરાયું હતું.આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય કુપોષણ હટાવવાનો હોવાનું જણાવી બાળક ગર્ભમાં હોય ત્યારથી રાજય સરકાર તેની ચિંતા કરે છે, તેમ જણાવી આંગણવાડી કાર્યકરોની મહેનતથી છેવાડાના માનવી સુધી યોજનાના લાભ પહોંચતા હોવાથી કાર્યકરોને તેમણે પધ્ધતિસર કામ કરવા સાથે કુપોષણ નાબૂદીના રાજય સરકાના જંગમાં ખભે-ખભા મિલાવી કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને સ્વાગત પ્રવચન કરતાં કચ્છને કુપોષણથી મુકત કરવા ગયા વર્ષે પોષણ માસ ઉજવવામાં આવ્યો હોવાનું જણાવી આજના ચિંતન સમારોહમાં આરોગ્ય, આઇસીડીએસ સહિત તાલુકાના આગેવાન, એનજીઓને સાથે રાખી કુપોષણ સામે જંગમાં સફળતા હાંસલ કરવા આહ્વાન કર્યું હતું.