25 વિપક્ષનો મોદીરાજ સામે વિરોધ, પ્રધાનનું રાજીનામું માગ્યું

copy image

copy image

મોદી સરકારને ઘેરવાની રણનીતિ ઘડવાના મુખ્ય હેતુ સાથે બે વર્ષ બાદ સોમવારે મળેલી વિપક્ષી  `ઈન્ડિયા’  જોડાણની બેઠકમાં 25 વિરોધપક્ષના નેતા સામેલ થયા હતા. મળતી માહિતી મુજબ આ બેઠકમાં નીટ પેપરલીક મુદ્દે દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ સહિત પાંચ મુદ્દા પર વિપક્ષમાં સહમતી થઈ હતી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી સહિત નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, બે કલાકથી વધુ ચાલેલી બેઠકમાં પાંચ મુદ્દા પર વિપક્ષે સહમતી સાધી છે. દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત થયો છે. નીટ પેપરલીક અને સીબીએસઈ ગરબડ માટે શિક્ષણમંત્રી જવાબદાર છે. પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ, તેવું ખડગેએ કહ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, ઈન્ડિયા જોડાણ દર બે મહિને બેઠક કરશે, જેમાં મોંઘવારી, બેરોજગારી, અર્થવ્યવસ્થાના મુદ્દા ઉઠાવી સરકારને સર્વેપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરાશે. હવે પછીની બેઠક આઠમી ઓગસ્ટના હૈદરાબાદમાં યોજાશે. આ બેઠકમાં સોનિયા, રાહુલ ઉપરાંત અખિલેશ યાદવ, મમતા બેનર્જી, સુપ્રિયા સૂલે, કપિલ સિબ્બલ સહિત નેતાઓ જોડાયા હતા, તો ઉદ્ધવ ઠાકરે, હેમંત સોરેન ઓનલાઈન જોડાયા હતા.