પરમા એકાદશીએ અંજારમાં ભક્તિનો પ્રવાહ, “જય શ્રી કૃષ્ણ” ગ્રુપની પ્રભાતફેરીમાં ભાવિકો ઉમટ્યા

પુરુષોત્તમ માસની પરમા એકાદશીના પાવન પર્વે અંજાર શહેરમાં “જય શ્રી કૃષ્ણ” ગ્રુપ દ્વારા ભવ્ય પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં “વસુદેવસુતં દેવં…” ના મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલી પ્રભાતફેરી શહેરના વિવિધ મંદિરો તથા મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી.

“જય શ્રી રામ” અને “જય શ્રી કૃષ્ણ” ના નાદ સાથે ભક્તજનો હરિનામ સંકીર્તન કરતા આગળ વધ્યા હતા. શ્રી માધવરાયજી મંદિરે નંદકુમાર અષ્ટકમ અને શ્રી નાગનાથ મહાદેવ મંદિરે વેદસાર શિવસ્તવના પાઠથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

પ્રભાતફેરીનું સમાપન શ્રી રામસખી મંદિરે ધ્વજાજી પૂજન અને શિખર પર ધર્મધ્વજ લહેરાવી કરાયું હતું. ત્યારબાદ પવનપુત્ર હનુમાનજીની સ્તુતિ કરી પ્રભુ શ્રીરામને થાળ ધરાવી પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

ગ્રુપના જીતેશભાઈ પીઠડીયાએ જણાવ્યું કે આ પ્રભાતફેરી આર્ય સંસ્કૃતિના જતન, સનાતન ધર્મના પ્રચાર, નિષ્કામ ભક્તિ, સામાજિક સમરસતા અને જીવદયા એમ પાંચ સિદ્ધાંતોને વરેલી છે. ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ મહિનામાં પક્ષીઓને અંદાજે 630 કિલો ચણ અને ગૌમાતાને રૂ. 21,200 થી વધુનું નિરણ અર્પણ કરાયું છે.

પ્રભાતફેરીમાં નાના-મોટા સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા. અંતે સૌએ સનાતન ધર્મના પ્રચાર અને જીવદયાના કાર્યોને વધુ વેગવંતા બનાવવાનો સંકલ્પ કર્યો હતો.

તસવીર: અંજારમાં પરમા એકાદશી નિમિત્તે યોજાયેલી પ્રભાતફેરી દરમિયાન હરિનામ સંકીર્તન કરતા ભાવિકો તથા રામસખી મંદિરે ધ્વજારોહણ.