સેવા, સુશાસન અને રાષ્ટ્ર ઉત્થાનના સફળ ૧૨ વર્ષ નિમિત્તે કચ્છભરમાં ભવ્ય મહાઆરતીઓ યોજાઈ

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને રાષ્ટ્ર ઉત્થાનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે કચ્છ જિલ્લાભરમાં ભાજપ પરિવાર દ્વારા ભવ્ય અને દિવ્ય મહાઆરતીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન અને આગેવાની હેઠળ કચ્છની તમામ છ વિધાનસભા બેઠકોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ, પ્રબુદ્ધ નાગરિકો, ભક્તજનો અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવનાર, વિકાસ અને જનકલ્યાણના અનેક આયામો સ્થાપિત કરનાર તથા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર કચ્છમાં ભક્તિમય માહોલ વચ્ચે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને અવિરત રાષ્ટ્રસેવા માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. અંજાર વિધાનસભા વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, અંજાર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને વડાપ્રધાનશ્રીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી પ્રભાબેન હુણે, ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના ચરણોમાં આરતી ઉતારી વડાપ્રધાનશ્રીને દીર્ઘ આયુષ્ય અને નિરોગી જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. માંડવી વિધાનસભા વિસ્તારમાં પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર સ્થિત રોકડીયા હનુમાનજી મંદિર ખાતે ઢોલ-નોબતના નાદ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે અનોખી મહાઆરતી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મંડળના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ વધુ વિકાસના માર્ગે આગળ વધે તેવી પ્રાર્થના કરી હતી.
ભુજ શહેરના ઉપલીપાળ રોડ સ્થિત રામ મંદિર ખાતે યોજાયેલી મહાઆરતીમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હિતેશભાઈ ખંડોર, પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન શ્રી કમલ ગઢવી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી મિતભાઈ ઠક્કર, જિલ્લા ભાજપના શ્રી સુરેશભાઈ સંઘાર, શ્રી અશોકભાઈ હાથી સહિત જિલ્લાના અનેક આગેવાનો, મંડળના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ ખાતે લીલાશા મધ્યે આવેલ શિવ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, નગરપતિ, ચેરમેન શ્રી તેજશભાઈ શેઠ સહિત આગેવાનો, કાર્યકર્તાઓ અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેશની સતત પ્રગતિ અને વડાપ્રધાનશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. રાપર વિધાનસભામાં રાપર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે નગરપતિ શ્રી ચાંદ ઠક્કર તેમજ સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય તથા દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. અબડાસા વિધાનસભા વિસ્તારમાં નખત્રાણા સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલી મહાઆરતીમાં અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગરપતિ શ્રી વસંતભાઈ વાઘેલા, અબડાસા તા.પં. પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, શ્રી પરેશભાઈ ભાનુશાલી સહિત અનેક આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે દેશના સર્વાંગી વિકાસ, સમૃદ્ધિ અને વડાપ્રધાનશ્રીના સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષ્ય માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.
સમગ્ર કચ્છ જિલ્લામાં યોજાયેલા આ કાર્યક્રમોમાં ઉત્સાહ, શ્રદ્ધા અને રાષ્ટ્રભાવનાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. ભક્તિમય માહોલ વચ્ચે યોજાયેલી મહાઆરતીઓ દ્વારા વડાપ્રધાનશ્રી પ્રત્યેનો જનસમર્થન અને સ્નેહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જિલ્લાભરના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.