ભારતના સરહદી પ્રવાસન સ્થળ કચ્છના ધોરડો ગામના ૧૦૦ ટકા સોલરાઇઝેશનથી ગ્રામજનોને વીજ બચત અને વધારાના યુનિટના વેચાણથી વાર્ષિક રૂા. ૧૪ લાખથી વધુનો લાભ થયો

આગામી વર્ષોમાં ભારતમાં ઊર્જામાંગની વૃદ્ધિને પહોંચી વળવા તેમજ કોલસા અને અન્ય સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડીને પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી મહત્તમ વીજળી ઉત્પાદનના ધ્યેયને પહોંળી વળવા તેમજ સૌરઊર્જા માટેની આપણી ક્ષમતાને વિસ્તારવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના કાર્યક્રમ અમલી કર્યો છે. જેમાં કચ્છમાં પ્રવાસન સ્થળ ધોરડોએ ગત વર્ષે ૧૦૦ ટકા સોલરાઇઝેશનની સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ વર્તમાન સમયમાં તેના મીઠાફળ ચાખી રહ્યું છે. સૌરઊર્જાથી ગ્રામીણોના જીવનધોરણમાં મોટો ફેરફાર આવ્યો છે,  ભારત-પાકિસ્તાન સરહદ નજીક વસેલા ભારતના આ ગામે કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. ૮૧થી વધુ રહેણાંક સાથે સરકારી ઇમારતોમાં સોલાર લાગ્યા બાદ ૫૦૦થી વધુ વસતીના આ ગામનું વીજબીલ શૂન્ય થઇ ગયું છે. જેથી ગરીબ લોકોના જીવનમાં આર્થિક સદ્ધરતા પણ વધી છે.

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના નાણાકીય સહાય સાથે સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય તરફ એક સકારાત્મક તથા ભારતીય પરિવારને ટકાઉ ઉર્જા ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ગરીબ, મધ્યમ-વર્ગના પરિવારોને રૂફટોપ સોલાર પેનલથી સજ્જ કરીને, આ યોજનાનો ઉદ્દેશ્ય પરંપરાગત પાવર ગ્રીડ પર તેમની નિર્ભરતા ઘટાડવાનો, તેમને વધુ આત્મનિર્ભર બનાવવાનો અને તેમના વીજળીના બિલમાં ઘટાડો કરવાનો છે. આનાથી અશ્મિભૂત ઇંધણ પરની આપણી નિર્ભરતા અને પહેલેથી જ બોજવાળા પાવર ગ્રીડ પરનો ભાર પણ ઘટશે, જે વીજળીને વધુ સુલભ બનાવશે. સૌર ઉર્જાનો ઉપયોગ માત્ર રોજગારીની નવી તકો જ નહીં પરંતુ સ્વચ્છ અને હરિયાળા વાતાવરણમાં પણ યોગદાન આપી રહ્યું છે. 

ધોરડોના ૧૦૦ ટકા સોલારીકરણથી ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ૧૬ હજારથી વધુનો આર્થિક લાભ થઈ રહ્યો છે. જેઓ હોમ સ્ટે કે અન્ય વેપાર સાથે સંકળાયેલા છે તેઓને મહિને આવતા તગડા બિલોથી રાહત થઇ છે, ઉપરથી વીજબચત થતાં સામેથી આવક થઇ રહી છે.

આ પ્રોજેક્ટ થકી ધોરડોના ૮૫ રહેણાંક ઘરો માટે ૧૮૫ કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટીથીથી વાર્ષિક ૩ લાખ યુનિટથી વધુ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટના લીધે પણ આવક થઇ રહી છે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ ₹૧૪ લાખથી વધુનો લાભ ગ્રામજનોને થયો છે.

બોકસ-  સોલાર રૂફટોપથી ગ્રામજનોનું બિલ શૂન્ય થવા સાથે આવક થઇ રહી છે

આ બાબતે ધોરડો ગામના સરપંચ મિંયા હુસેને જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન બોર્ડર પરનું કચ્છ સરહદનું ધોરડો સૌથી છેલ્લું ગામ છે. સફેદ રણને વિશ્વફલક પર લઇ જનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કારણે આ ગામ તથા આસપાસના વિસ્તારોના લોકોની આર્થિક સદ્ધરતા અને જીવનધોરણ બદલાઇ ગયું છે. આ વિસ્તાર દુનિયાની નજરે વસ્યો છે. તેમાં વધુ એક કલગી સમાન આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું વીજબિલ સાવ શૂન્ય થઇ ગયું છે. ગરીબ લોકો માટે આ સૌથી મોટું આર્થિકબળ છે. દર વર્ષે વીજબીલના ૧૬ હજારથી વધુ નાણાની બચત લોકોની થઇ રહી છે. ઉપરાંત વીજ વેચાણની આવક થાય છે તે ફાયદારૂપ છે. તેઓ ઉમેરે છે કે, પહેલા મારા જ ઘરનું બીલ ૩ થી ૪ હજાર આવતું હતું, પરંતુ એક વર્ષથી ઘરે કોઇ બીલ જ નથી આવ્યું. સીધી રીતે મારી ૪૦થી હજારથી વધુની બચત થઇ છે.

સરકારની સબસિડી અને બેંકની લોનથી સફળ થયેલા આ પ્રોજેકટથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે. તેમેણે વધુમાં જણાવ્યું હતું કે, ઘર સાથે અમે પ્રાથમિક શાળા-હાઇસ્કૂલ, હોસ્પિટલ, કોમ્યુનિટી હોલ, સરકારી કર્મચારીઓના કર્વાટસ સહિતની ઇમારતોમાં પણ સોલાર લગાવ્યા છે. જે રીતે સરહદી ગામ જાગૃત બનીને ઊર્જાક્ષેત્રે આત્મનિર્ભરતા કેળવીને પર્યાવરણના જતનમાં મદદગાર બની રહ્યું છે. તે જ રીતે કચ્છના તમામ ગામ તથા શહેરના નાગરિકો પણ આ યોજનામાં જોડાઇને સૌરઊર્જા પ્રણાલીને અપનાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

જિજ્ઞા વરસાણી