“8મું અને 10મું પગાર પંચ મળી ગયું તોય ભૂખ નથી ભાગતી” જેવી ટિપ્પણી અપમાનજનક અને તથ્યવિહિન…

ગુજરાત રાજ્યના કૃષિ રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો અંગે જાહેરમાં કરવામાં આવેલા નિવેદનને લઈને રાજ્યભરમાં શિક્ષણ જગતમાં ચર્ચા અને અસંતોષનો માહોલ સર્જાયો છે. શિક્ષકોનું કહેવું છે કે મંત્રીશ્રીએ શિક્ષકોને સંબોધતા “8મું અને 10મું પગાર પંચ મળી ગયું તોય ભૂખ નથી ભાગતી” જેવા શબ્દોનો ઉપયોગ કરીને સમગ્ર શિક્ષક સમાજનું અપમાન કર્યું છે.
શિક્ષક પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષકોને હજુ સુધી 8મા તથા 10મા પગાર પંચના લાભો પ્રાપ્ત થયા જ નથી. આવી સ્થિતિમાં હકીકતથી વિપરીત અને ભ્રામક નિવેદન કરવું દુર્ભાગ્યપૂર્ણ હોવાનું તેઓ માને છે.
તેમનું કહેવું છે કે શિક્ષકો માત્ર વર્ગખંડમાં શિક્ષણકાર્ય પૂરતું જ નહીં, પરંતુ ચૂંટણી, વસ્તી ગણતરી, BLOની કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન, વિવિધ સરકારી સર્વેક્ષણો, પ્રવેશ પ્રક્રિયા અને પરીક્ષાઓ સહિત અનેક જાહેર હિતની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. આવા સંજોગોમાં જાહેર મંચ પરથી સમગ્ર શિક્ષક સમાજ અંગે હાસ્યાસ્પદ અથવા સામાન્યીકૃત ટિપ્પણીઓ કરવી યોગ્ય નથી.
શિક્ષકો વર્ગખંડમાં મોબાઈલમાં વ્યસ્ત રહે છે અથવા પૂરતું કામ કરતા નથી જેવા આક્ષેપો સમગ્ર શિક્ષક સમાજની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે, એવો પણ શિક્ષકોનો દાવો છે. તેઓનું માનવું છે કે જો કોઈ વ્યક્તિગત સ્તરે ખામી હોય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે, પરંતુ સમગ્ર શિક્ષક વર્ગને બદનામ કરવું અન્યાયપૂર્ણ છે.
શિક્ષણ જગતમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સરકારના જવાબદાર હોદ્દા પર રહેલા વ્યક્તિઓએ સંયમિત, તથ્યાધારિત અને જવાબદાર ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષકોની દુભાયેલી લાગણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીશ્રી જાહેર સ્પષ્ટતા કરે અને માફી માંગે તેવી માંગ ઉઠી રહી છે.