ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાશે : મનોજ સોરઠિયા

આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતુ કે આજે ગુજરાતના ખેડૂતોની હાલત એવી છે કે એક તરફ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખાતરોની તંગી, બીજ-બિયારણના વધતા ભાવ અને ખેતી સાથે જોડાયેલી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખેડૂતો ખેતી કરીને પોતાનું ઘર ચલાવે છે અને દેશનું પેટ ભરે છે, પરંતુ બીજી તરફ સરકાર ખેડૂતોને કંઈ આપવાને બદલે તેમની પાસેથી છીનવી લેવાની નીતિઓ બનાવી રહી છે. ગુજરાતમાં ખાનગી કંપનીઓ ખેડૂતોની જમીનો કોઈપણ પ્રકારે હસ્તગત કરવા માટે વિવિધ યોજનાઓ લઈને આવી રહી છે. હાલમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં મોટા ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર કે કોઈ યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી. આ રીતે ખેડૂતોને અન્યાયપૂર્ણ સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે અને આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત પીડા, દુઃખ અને સંઘર્ષ વચ્ચે પોતાના અધિકારોની માંગ કરી રહ્યો છે. ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતુ કે આવતીકાલે 15મી જૂને વિવિધ ખેડૂત સંગઠનો પોતાના ટ્રેક્ટરો સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે. આ તમામ સંગઠનોને ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખુલ્લું સમર્થન આપવામાં આવે છે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ટ્રેક્ટર રેલીમાં ભાગ લેશે અને સંપૂર્ણ ટેકો આપશે. જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન નહીં થાય અને જ્યાં સુધી સરકાર ખેડૂતોને તેમના હક્ક અને અધિકારો નહીં આપે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે રહેશે અને તેમની દરેક લડાઈમાં સહભાગી બનશે. આવતીકાલે ગાંધીનગર પહોંચનારી આ રેલી અને યાત્રામાં આમ આદમી પાર્ટી પણ જોડાશે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સામેલ થશે અને ખેડૂતોના હકો માટેની આ લડાઈ મજબૂતીથી લડશે.