G7 સમિટ 2026: આઠમી વખત ભારતને આમંત્રણ, પીએમ મોદી ફ્રાન્સ જવા રવાના
copy image

પીએમ મોદી હાલમાં સ્લોવાકિયાની મુલાકાતે છે અને ત્યાંથી તેઓ સીધા ફ્રાન્સના એવિયન ખાતે યોજાનારી G7 સમિટ 2026માં ભાગ લેવા માટે પહોંચશે. આ સમિટ 16 અને 17 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. ભારત માટે આ ગર્વની વાત છે કારણ કે ભારતને આઠમી વખત આ પ્રતિષ્ઠિત સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યું છે. પીએમ મોદી આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી ‘ગ્લોબલ સાઉથ’ એટલે કે વિકાસશીલ દેશોની આકાંક્ષાઓ અને તેમના અધિકારોનો અવાજ ઉઠાવશે.પીએમ મોદીએ પોતાની યુરોપ યાત્રા પર રવાના થતા પહેલા સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, ‘G7 સમિટમાં ભારતની હાજરી એ આપણા વૈશ્વિક પ્રભાવ અને ભાગીદારોના વિશ્વાસને દર્શાવે છે.’ તેમણે સ્પષ્ટરીતે જણાવ્યું કે ભારત આ મંચ પર માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ ગ્લોબલ સાઉથના દેશોના વિકાસ અને તેમની ચિંતાઓ માટે પણ અવાજ ઉઠાવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે G20, સંયુક્ત રાષ્ટ્ર (UN) અને ‘વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ જેવા માધ્યમો દ્વારા વિકાસશીલ દેશોની આર્થિક અને સામાજિક સમસ્યાઓને મજબૂત રીતે રજૂ કરી છે. આ ઉપરાંત, ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માં કાયમી બેઠકોના વિસ્તરણ દ્વારા વૈશ્વિક સુધારાની માંગ પણ કરી રહ્યું છે. બ્રિક્સ સંગઠન પણ પશ્ચિમી દેશોના પ્રભુત્વ સામે ગ્લોબલ સાઉથના દેશોને એક મંચ પૂરું પાડવાનો ભારતનો એક મહત્ત્વનો પ્રયાસ છે. સમિટ દરમિયાન સૌથી વધુ ધ્યાન પીએમ મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી સંભવિત બેઠક પર છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, આ બંને નેતાઓ સમિટની વચ્ચે અલગથી મુલાકાત કરશે. આ મહત્ત્વની બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે કેટલાક મુદ્દાઓને કારણે પરસ્પર સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે.