પ્રથાની બેવડી સફળતા, મૌબોનીનો વિજય, અમદાવાદનું વર્ચસ્વ
copy image

copy image
પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026ની વિમેન્સ ફાઇનલ રોમાંચક બની ગઈ હતી જેને અંતે અમદાવાદની પ્રથા પવારે અમદાવાદની જ ઓઇશિકી જોઆરદારને હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલ મેચ સોમવારે અહીંના વીર સાવરકર સ્પોટ્સ કોમ્પલેક્સ ખાતે રમાઈ હતી જેમાં પ્રથાનો 4-3થી વિજય થયો હતો.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદ (ટીટીએએ)ના ઉપક્રમે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેને સપોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો સહકાર સાંપડ્યો હતો.
વિમેન્સ વિભાગની ફાઇનલ મેચ રસાકસીભરી રહી અને બંને ખેલાડીએ હાર માનવાનો ઇનકાર કર્યો હતો. પ્રથાએ શરૂઆતની બે ગેમ 16-14, 11-8થી જીતી, પરંતુ ઓઇશિકીએ ત્રીજી ગેમ 11-8થી જીતી લીધી હતી. પ્રથાએ ચોથી ગેમ 11-8થી જીતીને ફરીથી લીડ મેળવી લીધા બાદ ઓઇશિકીએ પાંચમી અને છઠ્ઠી ગેમ જીતીને મેચને નિર્ણાયક તબક્કામાં લાવી દીધી હતી. અંતિમ ગેમમાં પ્રથાએ પોતાની હિંમત જાળવી રાખીને 14-12થી બાજી મારી દેતાં વિમેન્સ ટાઇટલ હાંસલ કર્યું હતું.
આ વિજયથી પ્રથા પવાર માટે યાદગાર બેવડી સફળતા પૂર્ણ થઈ હતી. તેણે અગાઉ જુનિયર ગર્લ્સ (અંડર-19) ટાઇટલ જીત્યું હતું. તેણે સેમિફાઇનલમાં આફરીન મુરાદના મજબૂત પડકારને પાર કર્યા બાદ ફાઇનલમાં સુરતની દાનિયા ગોદિલને 4-1થી હરાવી હતી.
સોમવારે ટુર્નામેન્ટના અંતિમ દિવસે અમદાવાદે જુનિયર ગર્લ્સ (અંડર-17) કેટેગરીમાં વધુ એક પ્રભાવશાળી પ્રદર્શનની કર્યું હતું. જ્યાં મૌબોની ચેટરજીએ ટાઇટલ જીત્યું હતું. તેણે સેમિફાઇનલમાં ભાવનગરની ચાર્મી ત્રિવેદીને 3-2થી હરાવીને કઠીન પડકાર ધરાવતી ફાઇનલમાં દાનિયા ગોદિલને 3-2થી હરાવી હતી.
યુવા વર્ગોમાં અમદાવાદની અનાયરા મણિયાર અને સયાંશ ક્રિસ્ટીએ અનુક્રમે હોપ્સ (અંડર-9) ગર્લ્સ અને બોયઝ ટાઇટલ જીત્યા હતા તો નક્ષ પટેલે કેડેટ (અંડર-13) બોયઝનો તાજ જીતીને અમદાવાદની સફળતા આગળ ધપાવી હતી. જ્યારે પોડિયમ પર ટોચનું સ્થાન મેળવનારા અન્ય ખેલાડીઓમાં રેહાંશ સિંઘવી (અંડર-11 બોયઝ), પ્રિશા પરેશ (અંડર-11 ગર્લ્સ), ધિમહી કારબરાવાલા (અંડર-13 ગર્લ્સ), દેવ ભટ્ટ (અંડર-15 બોયઝ) અને દાનિયા ગોદિલ (અંડર-15 ગર્લ્સ)નો સમાવેશ થાય છે.