તાલુકામાં આહીરપટ્ટી વિસ્તારમાં લોડાઇ ગામે ગામના તળાવમાં ન્હાવા પડયા બાદ અકસ્માતે ડૂબી જવાથી સગીર વયના બે સહોદર રિયાઝ અઝીઝ કુંભાર (ઉ.વ. 8) અને રીઝવાન અઝીઝ કુંભાર (ઉ.વ.9)નાં મૃત્યુ થતાં ભારે અરેરાટી વ્યાપી છે.મોડે મોડે કચ્છમાં વરસી રહેલા વરસાદના કારણે લોકોમાં ઉમંગ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તેવા સમયમાં નવા વરસાદી પાણીના લીધે કે વીજળી પડવાના કારણે અપમૃત્યુ થવાના કિસ્સા પણ બનવા લાગ્યા છે. જેમાં આજે એક જ દિવસમાં બે સગાભાઇ તરુણ વયના છોકરા કાળનો કોળિયો બની જતાં મેઘરાજાના ઉમંગ વચ્ચે શોક અને અરેરાટી ફેલાયા છે. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ લોડાઇ ગામે આજે સાંજે રિયાઝ કુંભાર અને તેના મોટાભાઇ રીઝવાન કુંભારનું’ ડૂબી જવાથી એકસાથે મૃત્યુ થવાની કરુણ ઘટના બની હતી. આ બન્ને હતભાગી બાળકો આજે સાંજે શાળાથી છૂટયા બાદ ગામની નજીક આવેલા ગાગણિયા તળાવમાં ન્હાવા માટે પડયા હતા. જે દરમ્યાન અકસ્માતે ઊંડા’ પાણીમાં ગરકાવ થઇ જવાથી તેઓ સ્થળ ઉપર જ મોતને ભેટયા હતા. આ બન્નેને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે ફરજ ઉપરના તબીબે તેમને વિધિવત મૃત જાહેર કર્યા હતા.’ શ્રમજીવી કુંભાર પરિવારના બે-બે માસૂમ બાળક અકાળે મોતના મુખમાં ધકેલાઇ જતા ગામમાં તથા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. બનાવની જાણ થતા પદ્ધર પોલીસની ટુકડી હોસ્પિટલ અને સ્થાનિકે દોડી જઇને છાનબીનમાં પરોવાઇ હતી. સામાજિક આગેવાનો પણ દોડી આવીને મદદરૂપ બન્યા હતા.’