જનકલ્યાણથી કૃષિ કલ્યાણ સુધીની સફરમાં આત્મનિર્ભર, આત્મવિશ્વાસુ, આર્થિકરીતે અગ્રેસર રહેતા રાજ્યના ખેડૂતો

પ્રધાનમંત્રીશ્રીના સફળ નેતૃત્વના “૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના”ની થીમ હેઠળ આજે આપણે અનેકવિધ વિકાસ કાર્યોના ફળો ચાખી રહ્યા છીએ. એવામાં વડાપ્રધાનશ્રીની ખેડૂતો માટેની સંવેદના તથા સ્વસ્થ જમીન, સમાજ અને ભવિષ્યના નિર્માણ માટે વિવિધ યોજનાઓ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાંનું એક આ અભિયાનો એટલે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અભિયાન.  પ્રાકૃતિક કૃષિ એ હવે ફક્ત એક શબ્દ નથી પરંતુ ખેડૂતના જીવનમાં આવનારું એક એવું પરિવર્તન છે જેણે આજે દેશના તથા રાજ્યના ખેડૂતોને આર્થિકરીતે સધ્ધર કર્યા છે.

       ભારતમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૯-૨૦માં “ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ (Bhartiya Prakritik Krishi Paddhati – BPKP)” કાર્યક્રમ શરૂ કર્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૪માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન (National Mission on Natural Farming – NMNF)ને મંજૂરી આપી હતી. પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ટાળીને સ્થાનિક સંસાધનો, ગાય આધારિત જીવામૃત, બીજામૃત, આચ્છાદન (મલ્ચિંગ) અને વાપસા જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને તાલીમ આપવા માટે દેશભરમાં હજારો જેટલા મોડેલ ફાર્મ, બાયો-ઇનપુટ રિસોર્સ સેન્ટર અને હજારો કૃષિ સખીઓની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તથા ક્લસ્ટર દ્વારા ગામડાં સ્તરે ખેડૂતોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિના કારણે ખેડૂતોના ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જે આર્થિકરીતે એક બચત સમાન પણ છે. સાથોસાથ જમીનની ફળદ્રુપતા અને કાર્બન તત્વમાં વધારો થાય છે, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે તેમજ જૈવ વિવિધતાનું સંરક્ષણ થાય છે.

      આ પદ્ધતિ દુષ્કાળ, પૂર અને આબોહવા પરિવર્તન જેવી પરિસ્થિતિઓ સામે પાકને વધુ સક્ષમ બનાવે છે. અને રાસાયણિકમુક્ત અને પૌષ્ટિક ખાદ્ય ઉત્પાદનથી ખેડૂતો અને ગ્રાહકોના આરોગ્યને પણ લાભ થાય છે. ઉપરાંત પ્રાકૃતિક કૃષિના લીધે જમીનમાં રહેલા અળસિયાઓ વિકસિત થાય છે અને ખેડ્તોના સૌથી ઉત્તમ મિત્રો પણ છે. જમીનને નરમ, પોષકયુક્ત, પાણીદાર કરવા અળસિયા મહત્વનો ભાગ ભજવે છે. ટૂંકમાં કહીએ તો અળસિયા ખેતરમાં જળસંચયની કામગીરી કરે છે.

      કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય ટકાઉ મિશન, માટી આરોગ્ય કાર્ડ યોજના, ગોબરધન યોજના, કિસાન ક્રેડીટ કાર્ડ, નેશનલ બીકીપીંગ એન્ડ હની મિશન તથા આત્મા પ્રોજેક્ટ કાર્યરત છે. જેના પરિણામ સ્વરૂપે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને રાસાયણિક ખેતીનો ખર્ચ ઘડ્યો હોવાથી આર્થિકરીતે બમણો ફાયદો પણ કરી રહ્યા છે. સાથોસાથ ખેડૂત પોતે અને પોતાના પરિવાર, સમાજને આહારમાં વપરાતી ચીજ વસ્તુઓ ઉત્પાદિત કરી સારું સ્વાસ્થ્ય પણ પ્રદાન કરી રહ્યા છે.