ભુજના વોર્ડ નંબર 5માં વિકાસનો ખાડો બન્યો માથાનો દુખાવો, 40 દિવસથી કામ અધૂરું… પૂરું થવાનું નામ નથી લેતું…

વરસાદી મોસમની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર–5 વિસ્તારમાં વિકાસના કામોમાં થતી બેદરકારી સ્થાનિક વેપારીઓ માટે ચિંતાનો વિષય બની છે. વોકળા ફળિયા વિસ્તારમાં ગટર લાઈન અને પાણીની સુવિધા માટે ખોદવામાં આવેલો ખાડો છેલ્લા 40 દિવસથી ખુલ્લો પડ્યો હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખાડો ખોદાયા બાદ કામગીરી અટકી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વરસાદી પાણી ભરાવાની શક્યતા વચ્ચે ખુલ્લો પડેલો આ ખાડો અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે. રોજિંદા અવરજવર કરતા રાહદારીઓ, વાહનચાલકો તેમજ આસપાસ રહેતા પરિવારો માટે આ સ્થિતિ જોખમરૂપ બની ગઈ છે.
ખાડાના કારણે આસપાસ આવેલી દુકાનો અને રહેણાંક મકાનોના પાયા પણ દેખાવા લાગ્યા છે. જેના કારણે મકાનોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે. વેપારીઓનું કહેવું છે કે, લાંબા સમયથી અધૂરા પડેલા કામના કારણે તેમના ધંધા-રોજગાર પર પણ નકારાત્મક અસર પડી રહી છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે… શું કોઈ રાહદારી ખાડામાં પડી ઇજાગ્રસ્ત થાય અથવા કોઈ મકાનને નુકસાન પહોંચે ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવશે… આવા અનેક સવાલો વચ્ચે ભુજ નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. આ મુદ્દે વોર્ડના ચૂંટાયેલા કાઉન્સિલર ચેતન શાહ પણ સ્થાનિકો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને મીડિયાની હાજરીમાં તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે તાત્કાલિક અસરથી ખાડો પૂરવાની અને રસ્તાને પૂર્વવત સ્થિતિમાં લાવવાની માંગ કરી છે.
હાલ સ્થાનિકોની એક જ માંગ છે કે વરસાદ આવે તે પહેલાં ભુજ નગરપાલિકા જાગે અને છેલ્લા 40 દિવસથી પડેલો આ “વિકાસનો ખાડો” વહેલી તકે પૂરવામાં આવે.