મેઘપરમાં બિનઅધિકૃત રીતે રહેનાર બાંગલાદેશી મહિલા ઝડપાઇ
ગાંધીધામના મેઘપર કુંભારડીની એક સોસાયટીમાં રહેનાર બાંગલાદેશી મહિલાને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મેઘપર કુંભારડીના કપિલેશ્વરનગર મકાનમાં રહેનાર મહિલા બાંગલાદેશી હોવાની પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.એ રેડ પાડતા એક મહિલાને ઝડપી લેવાઇ હતી. તેની પૂછપરછ કરાતાં પોતે અનઅધિકૃત રીતે બાંગલાદેશની સીમા ઓળંગી ભારતમાં પ્રવેશ કર્યો હતો. આ મહિલા છેલ્લા ત્રણેક વર્ષથી ભારતમાં વસવાટ કરતી હોવાનું બહાર આવ્યું હતું. બાંગલાદેશ-ભારતની સીમા ઓળંગી અહીં આવનાર આ મહિલા સાથે અન્ય કોણ-કોણ આવ્યું હતું, તેની મદદ કોણે-કોણે કરી હતી ને ક્યાં અને શું કામ કરતી હતી તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.