લખનઉમાં ગોઝારો અગ્નિકાંડ; 15 છાત્રનાં કરુંણ મોત

તા. 22 : ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ માટે સોમવારનો દિવસ ભારે કમનસીબ ઉગ્યો હતો. અલીગંજ સ્થિત પુરનિયા વિસ્તારનાં કોચિંગ સેન્ટર અને લાયબ્રેરી સમાવતી ઈમારતમાં બપોરે સવા બે વાગ્યે `કાળમુખી’ આગ ત્રણ મહિલા અને 12 પુરુષ સહિત 1પ લોકોને ભડખી ગઈ. મૃતકોમાં મોટા ભાગના 20થી 30 વર્ષના વિદ્યાર્થી હતા. આ આગે ગુજરાતમાં સુરતના તક્ષશિલા અને રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની યાદ અપાવી દીધી હતી. પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને પરત ફરેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓનો ઉધડો લેતાં જવાબદારો સામે આકરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ લખનઉ પહોંચ્યા હતા. ત્રણ માળની ઈમારતના બેઝમેન્ટમાં લાગેલા એસીમાં શોટસર્કિટ થતાં ધડાકાનાં કારણે આગ લાગી અને ધુમાડો ફેલાઈ ગયો હતો, તેવું પ્રદેશના મંત્રી એ.કે. શર્માએ કહ્યું હતું. એક સાથે આટલા મૃતદેહો જોઇને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક રડી પડયા હતા. ચોમેર ચીસાચીસ, લોહી નીંગળતા મૃતદેહો, સ્વજનો ખોનારાઓના આક્રંદથી ભારે કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. આ `અગ્નિકાંડ’ની ખાસ જાણવા જેવી હકીકત એ રહી હતી કે, મોટા ભાગના મૃતકોએ આગમાં સળગી જવાથી નહીં પરંતુ આગના ધુમાડામાં શ્વાસ રૂંધાતાં જીવ ખોયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૃતકોના પરિજનોને રૂબરૂ મળવા પહોંચી ગયા હતા અને સહાનુભૂતિ વ્યક્ત કરતાં આગ માટે જવાબદાર કોઈ પણ અધિકારીને છોડાશે નહીં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીવ ખોનારાઓના પરિવારો માટે પાંચ-પાંચ લાખ અને ઘાયલો માટે પ0-પ0 હજાર રૂપિયાની આર્થિક સહાયની ઘોષણા કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રત્યેક મૃતકના પરિવારો માટે બે-બે લાખ અને ઘાયલો માટે પ0-પ0 હજારની સહાયનું એલાન કર્યું હતું. જાનહાનિથી ભારે વ્યથિત છું. શોકસંતપ્ત પરિવારો સાથે મારી સંવેદના છે, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું. અગ્નિશામક દળનાં 10 વાહન દોડી આવ્યાં હતાં અને ભારે કવાયત કરીને `કાળમુખી’ આગ પર કાબૂ મેળવ્યો હતો. એસડીઆરએફ અને એનડીઆરએફના જવાનોએ તાત્કાલિક બચાવ, રાહત અભિયાન છેડયું હતું. . એવું પણ જાણવા મળ્યું હતું કે, ઈમારતમાં ક્યાંક ઈમર્જન્સી એક્ઝિટ એટલે કે, કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે બહાર નીકળવાના માર્ગ કે દરવાજા નહીં હોવાથી 1પ લોકોનાં મોત થયાં હતાં. અગ્નિકાંડમાં ઘાયલ થઈ ગયેલા 11 છાત્રને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી પાંચની હાલત ગંભીર બતાવાઈ હતી. અમુક છાત્રો જીવ બચાવવા માટે ટોયલેટ અને બાથરૂમમાં છુપાયા હતા. ભારે ધુમાડા વચ્ચે બચાવ કર્મચારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ઘણા સ્થળે અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે દીવાલો તોડવી પડી હતી. આગના સમયે અમુક લોકોએ જીવ બચાવવા માટે ઉપરના માળેથી છલાંગ મૂકી હતી અને તેમાં ઈજાઓ પહોંચી હતી.